તરુણ ગામી પર પૈસાની લેતી દેતીમાં અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે
Morbi,તા.૨૧
મોરબીમા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે પૈસાની લેતી દેતીમાં બિલ્ડરના પુત્ર પર અજાણ્યા લોકોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. મોટા દહીસર પાસે બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બિલ્ડરના પુત્ર તરુણ ગામીને ત્રણ ગોળી વાગતા ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસ અને એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં મોટા દહીસર પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ બિલ્ડરના પુત્ર તરુણ ગામી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં તરુણ ગામીને ત્રણ ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ગોળી વાગ્યા બાદ તે ૨૦ કિ.મી સુધી ગાડી ચલાવીને ખાખરાળા ગોમ નજીક પહોંચ્યો હતો અને તેના મિત્રને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તેના મિત્ર દ્વારા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.તરુણ ગામીને માથામાં ઈજા પહોંચી હોવાથી તેને મોરબીથી રાજકોટ ખસેડવામાં આવ્યો છે. માળિયા પોલીસ, મોરબી તાલુકા પોલીસ અને એલસીબી દ્વારા આ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તરુણ ગામી પર પૈસાની લેતી દેતીમાં અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. મોટા દહીસર પાસે ફાયરીંગની ઘટના બનતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. લોકોમાં આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થા અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.