જુનાગઢમાં તોગડીયાની ઉપસ્થિતિમાં બાઈક રેલી અને સનાતન હિંદુ સમેલનનું આયોજન યોજાયું
Junagadhતા. 27
જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડીયા તેમજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડ ભરવાડની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે બાઈક રેલી અને સનાતન હિંદુ સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવીણ તોગડિયાએ જુનાગઢમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરોની જેમ અશાંત ધારો લાગુ કરવો જોઈએ તેમ જણાવી, હવે તો જુનાગઢમાં આવતા પણ બીક લાગવા માંડી છે તેમ જણાવ્યું હતું.
જુનાગઢમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના નેજા હેઠળ એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાદમાં શહેરના જોશીપુરામાં આવેલ ક્યાડા વાડી ખાતે હિંદુ સંમેલન યોજાયું હતું. આ તકે પ્રવીણ તોગડીયાએ અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં અશાંત ધારો લાગુ થઈ શકે તો, જુનાગઢમાં કેમ નહીં તેવા પ્રશ્ન સાથે જણાવ્યું હતું કે, અહીંના સ્થાનિક હિંદુઓ દ્વારા અશાંત ધારો લાગુ થાય તેવી માંગ તીવ્ર બની છે. ત્યારે તો જુનાગઢમાં આવતાં જ બીક લાગવા માંડી છે. એક સમયે સરદાર પટેલે જૂનાગઢને બચાવ્યું હતું અને હવે જુનાગઢ ફરીથી પાકિસ્તાનમાં જશે તેઓ ડર લાગ્યો છે. આ બાબતે સરકાર અને કલેક્ટર દ્વારા પગલાં લેવા જોઈએ અન્યથા જુનાગઢના લોકોને આરજી હકુમત જેવું આંદોલન કરવું પડશે તે સાથે તેમણે હિન્દુઓને સંગઠિત કરવા માટે રક્ત અને પરસેવાથી આ માર્ગ અપનાવવાનું પણ જણાવ્યું હતું.
પ્રવીણ તોગડિયાએ અશાંત ધારાથી લઈને ખેડૂતોને કૃષિ પાકોમાં પોષણક્ષમ ભાવ, બાળકોને શાળા અને કોલેજમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષિત પ્રત્યેક બેરોજગાર યુવાનને રોજગારી આપવાની ત્રીસ્તરીય કાર્યક્રમ પર કામ કરતા હોવાની વાતનો ઉલ્લેખ તેમણે જુનાગઢ ખાતે કર્યો હતો.