Junagadh તા. ૨૮
જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે, છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે છૂટાછવાયા પડી રહેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોમાં આવેલ કોળિયો જુટવાઈ જવા પામ્યો છે, જગતના તાત આ કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે, બીજી બાજુ છેલ્લા ૩૬ કલાક દરમિયાન જિલ્લામાં એકથી સાડા ત્રણ ઇંચ જેટલા વરસાદ પડ્યા હોવાના વાવડો મળી રહ્યા છે, ગિરનાર ઉપર આજે દોઢ ઇંચ વરસાદ થયો છે. આ લખાય છે ત્યારે પણ જુનાગઢ જિલ્લામાં કાળા ડિબાગ વાદળો નભમાં મંડરાઇ રહ્યા છે, અને હળવો શિત પવન વાય રહ્યો છે. ત્યારે રાત્રી દરમિયાન વરસાદ થવાની સંભાવના જાણકારો વર્તાવી રહ્યા છે.
ગત શનિવારથી સોરઠ પંથકમાં હળવા ભારે વરસાદ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેના કારણે ખેતરમાં ઉભેલા પાક કે પાથરા અથવા લણી લીધેલા પાક ઉપર વરસાદી પાણી પડતા ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, અને ખેડૂતો માથે હાથ દઈ કુદરતના આ કમોસમી વરસાદના કહેર સામે ઓશિયાળા બન્યા છે, તે સાથે જિલ્લાના અનેક વિસ્તારના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા સરકાર સામે મદદની મીટ માંડવામાં આવી છે.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૩૬ કલાક દરમિયાન માણાવદરમાં અઢી ઇંચ, વંથલીમાં પોણા ત્રણ ઇંચ, જૂનાગઢમાં એક ઇંચ, ભેસાણમાં દોઢ ઇંચ, વિસાવદરમાં સવા ત્રણ ઇંચ, મેંદરડામાં સાડા ત્રણ ઇંચ, કેશોદમાં બે ઇંચ, માંગરોળમાં બે ઇંચ, માળીયા હાટીનામાં બે ઇંચ અને ગિરનારમાં અઢી ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે. જો કે, આજે બપોરના બાર વાગ્યા પછી વરસાદ રોકાયો છે. પણ આજ સવારના ૬ થી રાતના ૮ વાગ્યા દરમિયાન ભેસાણ, મેંદરડા, માંગરોળ, માણાવદર વિસ્તારમાં એક થી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ગિરનાર પર્વત પર બપોરના ૧૨ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ થયા હોવાના વાવડ મળી રહ્યા છે. આ સિવાય જિલ્લાના જુનાગઢ, માણાવદર, વંથલી, વિસાવદર તથા કેશોદ પંથકમાં છૂટો છવાયા અડધા ઇંચ જેટલા વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
જુનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા છૂટા છવાયા કમોસમી વરસાદના ઝાપટાના કારણે શહેરના તૂટેલા રસ્તાઓ ઉપર કાદવ, કીચળ અને ક્યાંક પાણી ભરાયા છે, જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતરમાં ઉભેલા પાક કે પાથરા અથવા લણી લીધેલા પાક ઉપર વરસાદી પાણી પડતા ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. જો કે, આજે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા ડો. પ્રદ્યુમન વાજાએ કમોસમી વરસાદના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને મળી હૈયા ધારણા આપી હતી કે, રાજ્ય સરકાર ખેડૂતોની સાથે ઉભી છે, અને પૂરતી મદદ કરશે.

