New Delhi,તા.6
યુપીઆઈએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એનપીસીઆઈના આંકડા મુજબ 2 ઓગષ્ટે યુપીઆઈએ 70 કરોડનો ટ્રાન્જેકશનનો આંકડો પાર કર્યો છે. આ પહેલી ઘટના છે કે એક દિવસમાં 70 કરોડથી વધુ યુપીઆઈ લેવડ-દેવડ થઈ હોય.
જુલાઈ મહિનામાં યુપીઆઈએ મહિનામાં 19.47 અબજ ટ્રાન્જેકશન પ્રોસેસ કરી હતી. જેની કુલ વેલ્યુ 25.1 લાખ કરોડ રૂપિયા હતી. વોલ્યુમના હિસાબે તેમ ગત વર્ષની તુલનામાં 35 ટકા અને વેલ્યુના હિસાબ 22 ટકા ઉછાળો થયો છે.
દરમિયાન દેશની મોટી પ્રાઈવેટ બેન્કોમાંની એક આઈસીઆઈસીઆઈ બેન્કે ફોન પે અને ગુગલ પે જેવા ચાર્જીંગ પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી દર ટ્રાન્જેકશન પર ફી વસુલવી શરૂ કરી દીધી છે.
બેન્કે જણાવ્યું હતું કે, તે 1 ઓગષ્ટથી એસ્કો એકાઉન્ટવાળા એગ્રીગેટર્સ પાસેથી દર ટ્રાન્જેકશન 2 બેઝીસ પોઈન્ટ (અધિકતમ 6 રૂપિયા) અને એસ્કો વિનાના એકાઉન્ટસ વાળા એગ્રીગેટર્સ પાસેથી 4 (અધિકતમ 10 રૂપિયા) ફી ચાર્જ કરશે.
જો કે જે મર્ચન્ટસ સીધા આઈસીઆઈસીઆઈ બેન્ક એકાઉન્ટસમાં સ્ટેટમેન્ટ રિસીવ કરશે, તેમને ફીમાંથી મુક્તિ અપાશે. આથી યુપીઆઈના ઝીરો મોડેલ પર સવાલ ઉઠવા લાગ્યા છે.
અત્યાર સુધી યુપીઆઈથી પેમેન્ટ યુઝર્સ અને વેપારી માટે ફ્રી હતું જે ચાર્જેબલ થતા નાના વેપારીઓની મુશ્કેલી વધશે. આરબીઆઈએ હાલમાં જ સંકેત આપ્યો છે કે પુરી રીતે ફ્રી ડિજીટલ ટ્રાન્જેકશનનો સમય હવે પુરો થઈ શકે છે.