Washington,તા.17
અમેરિકાની ટ્રમ્પ સરકારે કેટલાક દિવસો પહેલા એચવનબી વિઝા ફીમાં તોતીંગ વધારો કરી તેને એક લાખ ડોલર (88 લાખ રૂપિયાથી વધુ) કરવાનો નિર્ણય લેતા અમેરિકામાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે. અમેરિકાની ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પ સરકારના આ નિર્ણયને અદાલતમાં પડકાર્યો છે. યુએસ ચેમ્બરે ગઈકાલે આ જાણકારી આપી હતી.
પોતાની અરજીમાં યુએસ ચેમ્બર ઓફ કોમર્સે કહ્યું છે કે, એચવનબી વિઝાની નવી ફી ગેરકાનુની છે. કારણ કે તે ઈમીગ્રેશન અને રાષ્ટ્રીયતા કાનૂન જોગવાઈઓનો ભંગ કરે છે. અમેરિકામાં ઈમીગ્રેશન અને રાષ્ટ્રીયતા કાયદા અંતર્ગત જ એચવનબી વિઝા કાર્યક્રમ સંચાલીત કરવામાં આવે છે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યકારી ઉપાધ્યક્ષ અને મુખ્ય નીતિ અધિકારી નીલ બે્રડલીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે એક લાખ ડોલરનો નવો વીઝા ચાર્જ અમેરિકી નિયુક્તિ કરનારાઓ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સ અને નાના અને મધ્યમ આકારના વ્યવસાયો માટે એચ-વન-બી કાર્યક્રમનો ઉપયોગ કરવો મોંઘો પડશે. જેને બધા પ્રકારના અમેરિકી વ્યવસાયોની વૈશ્વિક પ્રતિભા સુધી પહોંચ બનાવવા માટે મોટો બનાવ્યો હતો, આથી કંપનીઓને અમેરિકામાં પરિચાલન કરવામાં મદદ મળી છે.
ચેમ્બર ઓફ કોમર્સે આ મુદ્દાને અમેરિકી સ્પર્ધાત્મકતા માટે એક સીધો ખતરો બતાવ્યો છે અને ચેતવણી આપી હતી કે કુશળ વિદેશી શ્રમની કમી નવાચાર (ઈનોવેશન)ને નુકસાન પહોંચાડશે, ખાસ કરીને ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રોમાં જયા યોગ્ય અમેરિકી કર્મચારીઓની અછત થઈ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ટ્રમ્પે એચવનબી વિઝાની વાર્ષિક ફીને લઈને એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ નવા આદેશ મુજબ એચવનબી વીઝાની ફી એક લાખ ડોલર (લગભગ 88 લાખ રૂપિયા) કરી દેવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં કામ કરનાર ભારતીય પ્રોફેશનલ્સને મોટી અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે એચવનબી વિઝા પર મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકામાં કાર્યરત છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે એક લાખ ડોલરનો ચાર્જ નવી અરજીઓ માટે નિયુક્તિ કરનારાઓ પાસેથી લેવામાં આવશે. ચાર્જ સિંગલ રકમ પેમેન્ટ છે, નહીં કે વાર્ષિક ચાર્જ.વોશિંગ્ટનઃ સિલિકોન વેલીના રોકાણકાર માઈકલ મોરીઝ અને અન્ય ટેક. દિગ્ગજોએ જણાવ્યું છે કે એચ-વન-બી વિઝા ફીમાં તોતીંગ વધારાની વિપરીત અસર થશે. અમેરિકાની ટેકનોલોજી ધારને નુકસાન પહોંચાડશે.
એક લેખમાં મોરિત્ઝે દલીલ કરી હતી કે પુર્વી યુરોપ, તુર્કી અને ભારતના ઈજનેરો પાસે અમેરિકન વ્યાવસાયિકો જેટલી જ કુશળતા છે તેમણે દલીલ કરી હતી કે યુનાઈટેડ સ્ટેટસે ટેક કંપનીઓને વિદેશમાં કામગીરી ખસેડવા દબાણ કરવાને બદલે સ્થાનિક વિસ્તરણને ટેકો આપવો જોઈએ.