America,તા.18
પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચેનું અણુ યુધ્ધ મે અટકાવ્યું હતું અને યુધ્ધ વિરામ કરાવ્યું હતું તેવા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાનોને ભારતે અનેક વખત નકાર્યા છે તથા હાલમાં જ ટ્રમ્પનો પાકિસ્તાન પ્રેમ પણ બહાર આવ્યો છે તે વચ્ચે અચાનક એક પગલામાં અમેરીકાએ પહેલગામ હુમલા માટે જવાબદાર મનાતા લશ્કર એ તોયબાના ફ્રન્ટ સંગઠન ધ રેજીસ્ટેંસ ફ્રન્ટ (ટીઆરએફ)ને વિદેશી ત્રાસવાદી સંગઠન જાહેર કર્યુ છે.
આ સંગઠનના હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય સ્ત્રોતો અને બેંક ખાતાઓ ફ્રીઝ થઈ જશે અને તેના ઉપર આંતરરાષ્ટ્રીય વોરંટ પણ ઈશ્યુ કરી શકાશે. પાકિસ્તાન સ્થિત લશ્કર એ તોયબાને અગાઉ જ પ્રતિબંધીત ત્રાસવાદી સંગઠન જાહેર કર્યા બાદ તેને પોતાની ત્રાસવાદી પ્રવૃતિ યથાવત રાખવા આ નવા નામ હેઠળ ધ રેજીસ્ટેંસ ફ્રન્ટની રચના કરી હતી.
પહેલગામ હુમલા માટે પણ તે જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. તે વચ્ચે અમેરીકાના વિદેશ મંત્રી માર્કો રૂબીયોએ ગઈકાલે જાહેર કર્યુ છે કે, ધ રેજીસ્ટેંસ ફ્રન્ટ (ટીઆરએફ)એ પ્રતિબંધીત વિદેશી ત્રાસવાદી સંગઠન ગણાશે અને તેની સામે તમામ પ્રકારના પ્રતિબંધો અમલી બનશે.
અમેરીકાના આ પગલાથી પાકિસ્તાનને પણ મોટો ફટકો પડે તેવી ધારણા છે. પાક. દ્વારા આ સંગઠનને તેની ત્રાસવાદી ભૂમિકા માટે સહાય કરતુ હતું અને હવે પાકિસ્તાન સરકાર તેને આળપંપાળ કરી શકશે નહીં.
અમેરીકાના વિદેશ મંત્રીએ જાહેર કર્યુ કે, પહેલગામ હુમલો એ 2008 બાદના ભારત પરના થયેલા સૌથી મોટો ત્રાસવાદી હુમલો હતો અને અમેરીકાની આતંકવાદ સામેની લડાઈમાં ભારતના મજબુત સાથની અમે કદર કરીએ છીએ. આમ પહેલાગામ હુમલા મુદે હવે પાકિસ્તાન ઉપર દબાણ વધશે.