Washington,તા.30
ભારત સહિત દુનિયાભરના દેશો પર ટેરિફની ચાબૂક ઝીંકનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ કોર્ટે ઝટકો આપ્યો છે અને તેમના દ્વારા લદાયેલા મોટાભાગના ટેરિફ ગેરકાયદે હોવાનો ચુકાદો આપ્યો છે. જો કે, સુપ્રીમકોર્ટમાં અપીલ કરવા માટે 14 ઓકટોબર સુધીનો સમય આપીને ત્યાં સુધી તે ચાલુ રાખવા દેવાની છુટ્ટ આપી છે.
અમેરિકન ફેડરલ કોર્ટે ચુકાદામાં કહ્યુ છે કે, ટ્રમ્પના મોટાભાગના ટેરિફ કાયદા સાથે સુસંગત ન હોવાથી ગેરકાયદે ઠરે છે. જો કે, આ ચુકાદા સામે સુપ્રિમકોર્ટમાં અપિલ કરવાની તક આપવામાં આવે છે અને એટલે 14 ઓકટોબર સુધી ચાલુ રાખી શકશે. અદાલતનો આ ચુકાદો ટ્રમ્પને અરિસો દેખાડીને આંતરરાષ્ટ્રીય આર્થિક રણનીતિને ઝટકો લાગવારૂપ ગણવામાં આવે છે.
અમેરિકન ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા વિશે પણ કાનૂની લડાઈ ઉભી થવાના ટાણે જ ટ્રમ્પને ઝટકારૂપ આ ચુકાદો આપ્યો છે જેનાથી ટ્રમ્પની સમગ્ર આર્થિક રણનીતિ અસ્તવ્યસ્ત થઈ શકે છે. અભૂતપૂર્વ કાનૂની-આર્થિક ટકકર સર્જાવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાભરના દેશો સાથે ટેરિફવોર પર ઉતર્યા છે. ભારત પર 50 ટકા ટેરીફ ઝીંકી છે. મુળ 25 ટકા ટેરિફ છે. પરંતુ ભારત રશિયા પાસેથી ક્રુડ ખરીદતુ હોવાથી વધારાની 25 ટકા ટેરિફ લાદી છે. પરિણામે બન્ને દેશો વચ્ચે ટકરાવની હાલત છે.
ભારત અને ચીન નજીક આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીન પહોંચવાના છે. અમેરિકાનો સામનો કરવા ભારત-રશિયા-ચીનની ધરી બનવાની પણ શકયતા છે. હવે ટ્રમ્પને ઘરઆંગણે જ અદાલતી ઝટકો મળ્યો છે જયારે આવનારો સમય વધુ ઉતેજનાસભર બનવાનું મનાય છે.