America,તા.09
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.’
એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી. વેન્સે આ નિવેદન આપ્યું. કાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમેરિકાના ઉપ પ્રમુખનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. વિશ્વભરના મોટા ભાગના દેશો ખાસ કરીને મહાસત્તા ગણાતા દેશો તરફથી ભારતને સમર્થન મળતાં પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે.
વેન્સે કહ્યું કે, ‘અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવા પ્રયત્નો કરી શકે છે, પરંતુ અમારો પ્રયાસ એ છે કે બંને પરમાણુ શક્તિ ધરાવતા દેશો તણાવ ઘટાડવા પ્રયાસ કરે.’વેન્સે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો બંને ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ઘટાડો થાય. ભારત પાકિસ્તાન ફરિયાદ કરે છે, પરંતુ અમે બંનેને તણાવ ઘટાડવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમે યુદ્ધમાં સામેલ થવાના નથી કેમ કે ત્યાં અમારું કોઈ કામ નથી. અમે ન તો પાકિસ્તાન કે ન તો ભારતને હથિયાર ત્યજી દેવા કહી શકીએ.’
વેન્સને સવાલ કરાયો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અંગે અમેરિકા કેટલી હદે ચિંતિત છે? તો તેમણે જવાબમાં કહ્યું કે ‘અમને ચિંતા એ વાતની છે કે બંને દેશો પરમાણુ ક્ષમતા ધરાવે છે. તેથી તેમણે સંઘર્ષ ટાળવો જોઈએ. કોઈ મોટી લડાઈથી બચવું જોઇએ.’