Ahmedabad,તા.15
ગુજરાતમાં લોકો ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી જ ધાબા પર ચઢીને પતંગ ચગાવી મજા માણતા હોય છે. પરંતુ, આ દિવસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ અમુક અસામાજિક તત્ત્વો દ્વારા બેદરકારી પૂર્વક રસ્તા પર ગમે ત્યાં પતંગ ચગાવવાના કારણે ઘણાં લોકો માટે આ તહેવાર સજા બની જાય છે. ગત રોજ ઉત્તરાયણના દિવસે ‘કાયપો છે…’ ની બૂમો સાથે મોડી રાત સુધી 108 અને એમ્બ્યુલન્સના સાયરન પણ સાંભળવા મળ્યા હતાં. મંગળવારે (14 જાન્યુઆરી) રાત્રે 9 વાગ્યા સુધી 4256 ઇમરજન્સી કૉલ મળ્યા હતાં.
પતંગની દોરીથી 6 લોકોના મોત, 143 લોકો ઈજાગ્રસ્ત
રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે 6 લોકોએ પતંગની દોરીના કારણે જીવ ગુમાવવા પડ્યાં હતાં. જેમાં એક 5 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. પતંગની દોરી વાગવાના કારણે 143 લોકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતાં. મંગળવારે (14 જાન્યુઆરી) રાત્રે 9 વાગ્યા સુધીમાં 4256 જેટલાં ઈમરજન્સી કૉલ મળ્યા હતાં. જે આંકડો મોડી રાત્રે વધ્યો હોવાની સંભાવના પણ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતાં ઈમરજન્સીના 411 કૉલ વધારે આવ્યા છે. સૌથી વધારે ઈમરજન્સીના કૉલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરથી આવ્યા હતાં.
1400 થી વધુ પક્ષીઓ ઘાયલ
નોંધનીય છે કે, ઉત્તરાયણના પર્વ પર ફક્ત માણસો જ નહીં પરંતુ અનેક અબોલ પશુ-પક્ષીઓ પણ ઘાયલ થયાં હતાં. ઉત્તરાયણના દિવસે 1402 જેટલાં પશુ-પક્ષીઓ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ લગભગ 1 હજારથી વધારે ઈમરજન્સી કૉલ મળ્યા હતાં.