Rajkot,તા.27
આત્મનિર્ભર ભારતની દિશામાં ડગલું માંડવું એ પ્રજાસત્તાક દિનની વિશેષ ઉજવણી છે. – શ્રી ઘનશ્યામભાઈ ઢોલરીયા.
રીસર્ચ અને ઈનોવેશનની દિશામાં થઈ રહેલા પ્રયાસો ભારતને આગળ લઇ જશે. – શ્રી હંસરાજભાઈ ગજેરા.
“રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ” ને વરેલી સૌરાષ્ટ્ર-કચ્છની ખ્યાતનામ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના કેમ્પસ માં વીવીપી એન્જીનીયરીંગ કોલેજ , ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર અને કીચ સ્કૂલ ઓફ ડિઝાઇન એમ ત્રણે કોલેજ ના સંયુક્ત ઉપક્રમે
૨૬ મી જાન્યુઆરી, ૭૭ માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી. આ તબક્કે જાણીતા ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ ઢોલરીયા, લઘુઉદ્યોગ ભારતીના જનરલ સેક્રેટરી શ્રી હંસરાજભાઈ ગજેરા, વીવીપી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારા, આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલશ્રી દેવાંગભાઈ પારેખ, કીચ સ્કૂલ ઓફ ડીઝાઈનના પ્રિન્સીપાલ પ્રો. શૈલીબેન ત્રિવેદી‚ ત્રણે કોલેજના વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા ભારત માતાનું પૂજન અને બાદમાં ધ્વજારોહણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શ્રી ઘનશ્યામભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આવનારો સમય એ રીસર્ચ અને ઇનોવેશનનો છે અને તેથી જ તમારા જેવા ભાવિ ઈજનેરોએ આ કાર્યમાં વધુ તાકાત લગાવવાની જરૂર છે. ભારત સરકારના સરાહનીય પ્રયાસોના ભાગરૂપે આત્મનિર્ભર ભારતની મુવમેન્ટ જે ચાલી રહી છે તેના લીધે જ આજે વૈશ્વિક અસ્થીરતાઓની વચ્ચે પણ ભારતની જીડીપી વધી રહી છે. આ દિશામાં વધુમાં વધુ પ્રયાસ કરવાનું કામ તમારા જેવા ભાવિ ઈજનેરોનું છે અને મને વિશ્વાસ છે કે વીવીપીના વિદ્યાર્થીઓને આ સંસ્થામાં જે રીતે શિક્ષણ અપાઈ રહ્યું છે તેવા વિદ્યાર્થીઓ આ દિશામાં ચોકક્સ વિચારશે અને ભારતને આગળ લઇ જશે. .
શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, લઘુઉદ્યોગ ભારતી અને વીવીપીના સંયુક્ત પ્રયાસોને લઈને અમે રાજકોટના ઉદ્યોગ જગતને સાથે રાખીને એ દિશામાં પ્રયત્નો કરી રહ્યાં છીએ કે, ભારતમાં ચીન જેવા દેશોમાંથી થતું આયાત ઘટે અને અહીયાના ઉદ્યોગો માટે જરૂરી એવા ઉપકરણો અહિયાં એટલે કે, રાજકોટમાં જ બને. આવનારા દિવસોમાં અમે હજુ પણ અમારા આ પ્રયત્નોમાં વીવીપીના શૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને આગળ વધશું જેનો પ્રત્યક્ષ લાભ ભારતને થશે.
વીવીપીના પ્રિન્સિપાલ શ્રી ડો.પિયુષભાઈ વણઝારાએ જણાવ્યું હતું કે, લઘુઉદ્યોગ ભારતીના સુંદર સહકારથી અમારા પ્રોફેસર
શ્રી ભાર્ગવભાઈ ગોકાણી અને ડો. દિપેશભાઇ કુંડલીયાને રૂપિયા ૭૦ લાખની ગ્રાન્ટ મળી છે જેના અંતર્ગત ઈમ્પોર્ટ સબસ્ટીટયુટ ડીવાઈસ બનશે અને આવનારા દિવસોમાં આ સંશોધનનો રાજકોટ, ગુજરાત અને ભારતના ઉદ્યોગ જગતને મળશે.
વીવીપીની અને જીટીયુની કલ્ચરલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને આ તબક્કે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
વીવીપીના પ્રિન્સિપાલ શ્રી ડો.પિયુષભાઈ વણઝારાના માર્ગદર્શન હેઠળ કલ્ચરલ કમિટીના કન્વીનર ડૉ. ચાર્મીબેન પટેલ, વીવીપી-એન.એસ.એસ.ના ઇન્ચાર્જ પ્રો. ગૌરવભાઇ પરમાર, વીવીપી- એન.સી.સી.ના ઇન્ચાર્જ પ્રો. વિશાલભાઈ નિમાવત, થીયેટરમાં અમિતભાઈ પાઠક, ડાન્સમાં હાર્દિકભાઈ પંડ્યા, લીટરેચરમાં પૂજાબેન, ફાઈન આર્ટસ કમિટીના સ્વીટુબેન, ઇવેન્ટ મેનેજમેન્ટમાં સ્નેહાબેન પંડ્યા તથા વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ભક્તિ પ્રગટ થાય તે થીમ પર સુંદર સુશોભન કરેલ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે તમામ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ ભારત માતાનું પૂજન કરેલ હતું. આ તકે એન.સી.સી.ના કેડેટસ દ્વારા ભવ્ય પરેડ કરવામાં આવી હતી.
વીવીપીના ટ્રસ્ટીઓશ્રી વિદ્યાર્થીની પસંદગી બદલ સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવિનભાઈ શેઠે ૭૭માં પ્રજાસત્તાક પર્વની બધાને શુભેચ્છા પાઠવેલ છે.

