Vadodara :તા.24
2008 માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમૂલનું માર્કેટિંગ કરે છે, તેને રૂ. 5255 કરોડનાં ટર્નઓવર સાથે ભારતની પ્રથમ બિલિયન-ડોલર મિલ્ક કોઓપરેટિવનો ટેગ મેળવ્યો હતો. દોઢ દાયકા પછી ગુજરાત પાંચ અબજ ડોલરની દૂધ સહકારી સંસ્થાઓનું ઘર બન્યું છે.
ભારતની સૌથી મોટી ફૂડ પ્રોડક્ટ માર્કેટિંગ સંસ્થા જીસીએમએમએફએ વર્ષ 2023-24 માં 59545 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યુ હતું.જીસીએમએમએફએના અન્ય ત્રણ સભ્ય યુનિયનો – પાલનપુર સ્થિત બનાસ ડેરી, આણંદ સ્થિત અમૂલ ડેરી અને હિંમતનગર સ્થિત સાબર ડેરી પણ અબજ ડોલરની ક્લબમાં જોડાઈ છે.
બનાસ ડેરીએ 19003 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, ભારતની સૌથી જૂની દૂધ સહકારી, અમૂલ બ્રાન્ડની માલિક અમૂલ ડેરીએ 12921 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું,બીજી તરફ સાબર ડેરીએ 8939 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.
ગાંધીનગર સ્થિત અમૂલફેડ ડેરી, જીસીએમએમએફનું એકમ છે, તેણે પણ 12969 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. સાગર બ્રાન્ડની માલિક મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી આ સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. વર્ષ 2023-24 માં, મહેસાણા ડેરીએ રૂ. 7495 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. જીસીએમએમએફએના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, આ વૃદ્ધિનો શ્રેય વિસ્તરણ અને વૈવિધ્યકરણને આપે છે.
તેઓએ કહ્યું કે, “અમારા તમામ સભ્ય યુનિયનોએ વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, દૂધ અને દૂધનાં ઉત્પાદનોની પ્રક્રિયા કરવા માટે તેમની ક્ષમતાઓ વધારી છે, મૂલ્યવર્ધિત ઉત્પાદનો રજૂ કર્યા છે, અને ગુજરાતની અંદર અને બહાર સહકારી નેટવર્કને મજબૂત બનાવ્યું છે.
“ગુજરાતનાં 18600 ગામડાઓમાં 36 લાખ ખેડૂતોના નેટવર્ક અને 18 સભ્ય યુનિયનો છે જે દરરોજ 300 લાખ લિટર દૂધ ખરીદે છે, ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક અનુસાર દૂધ પ્રોસેસિંગના સંદર્ભમાં ગુજરાતનાં દૂધ સંઘો દેશભરમાં 100 થી વધુ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવે છે.