Vadodara,તા.12
સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ રજા પર છૂટીને ફરાર થઇ ગયો હતો. જે અંગે વડોદરા જેલના જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તા. ૨૭ – ૦૨ – ૨૦૦૨ ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર હત્યાકંાડ સર્જાયો હતો. સાબરમતી ટ્રેનના ડબાને આગ ચાંપી દેતા કાર સેવકો સહિત ૫૯ લોકોના કરૃણ મોત થયા હતા. આ કેસને રરેસ્ટ ઓફ ધ રેસ્ટ ગણીને સ્પેશ્યલ કોર્ટે તા. ૦૧ – ૦૩ – ૨૦૧૧ ના રોજ ૧૧ આરોપીઓેને ફાંસી તથા ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આજીવન કેદની સજાના આરોપી ઇરફાન અબ્દુલમજીદ ઘાંચી ઉર્ફે ઇરફાન કલંદર (રહે. પોલન બજાર, તા.ગોધરા,જિ.પંચમહાલ) વડોદરાની જેલમાં હતો. હાઇકોર્ટના હુકમથી આરોપીને તા. ૨૬ – ૦૯ – ૨૦૨૪ ના રોજ ૫૬ દિવસની લોંગ પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. કેદીને તા. ૨૨ – ૧૧ – ૨૦૨૪ ના રોજ પરત વડોદરા જેલમાં હાજર થવાનું હતું. સુપ્રીમ કોર્ટના કેસમાં થયેલા હુકમ મુજબ તેને પ્રથમ સુનાવણી સુધી હાજર થવાની મુક્તિ આપવામાં આવી હતી. કેદીને તા. ૦૩ – ૧૨ – ૨૦૨૪ ના રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, તે હાજર નહીં થઇ ફરાર થઇ ગયો હતો. જે અંગે જેલર જે.જે.પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.