Vadodara તા.16
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ડ્રગ્સની હેરાફેરીના કેસમાં પકડાયેલા ત્રણ પૈકી એક આરોપી સગીર હોવાથી તેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચલાવવા માટે કરેલી પિટિશન ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવાઈ હતી.
આ કેસમાં પકડાયેલા એક આરોપીના પિતાએ તેમનો પુત્ર સગીર હોવાનો દાવો કરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે તેનો કેસ સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં ચલાવવાના બદલે જુવેનાઇલ કોર્ટમાં ચલાવવા માંગણી કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે આરોપીને સગીર ગણવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો હતો.
કેસની વિગત મુજબ, વર્ષ 2021માં વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્દોરના ત્રણ આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં અમદાવાદ એટીએસ દ્વારા આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. જે પૈકીના એક આરોપીના પિતાએ હાઇકોર્ટમાં રિટ કરી એવો બચાવ કર્યો હતો કે, તેમનો પુત્ર સગીર છે.
તેથી તેની સામે એનડીપીએસ કોર્ટ નહી પરંતુ જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ. ટ્રાયલ કોર્ટે તેમની અરજી ખોટી રીતે નામંજૂર કરી છે કારણ કે, તેમના પુત્રના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તેમના પુત્રની જન્મ તારીખ તા.15-4-2003 છે, તો, આધાર કાર્ડમાં જ.તા.તા.15-4-2001 છે. ટ્રાયલ કોર્ટે આધાર કાર્ડની ઉંમર માન્ય રાખી છે.
જો કે, સરકારપક્ષ તરફથી અરજીનો વિરોધ કરાયો હતો કે, ટ્રાયલ કોર્ટનો અરજદારની અરજી નામંજૂર કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વાજબી છે. કારણ કે, આરોપીના આધાર કાર્ડની તપાસમાં તે સાચુ અને ખરું હોવાનું ફલિત થયુ છે. ખુદ તેના માતા-પિતાના નિવેદનમાં પણ આરોપી 20 વર્ષનો હોવાનું સામે આવ્યું છે.
જે સ્કૂલ લિવિગ સર્ટિફિકેટ રજૂ કરાયું છે તેની પર કોઇની સહી નથી. શાળાને પૂછતાં તેમણે આરોપીના માતા-પિતાના મૌખિક નિવેદન મુજબ જન્મ તારીખ નોંધી હતી, તેથી આ પુરાવો વિશ્વસનીય ના કહેવાય. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે અરજદાર પિતાની અરજી ફગાવી હતી.
અરજી ફગાવી દેતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે, જ્યારે કોઈ દસ્તાવેજી પુરાવો વ્યક્તિની ઉંમર સંબંધિત ન હોય ત્યારે તેનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. આરોપીના માતા પિતા અને આરોપીએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે તે 20 વર્ષનો છે. તેના માતા-પિતાના નિવેદનમાં પણ અગાઉ 20 વર્ષનો હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં પણ આરોપીનું આધારકાર્ડ સાચું હોવાનું પણ સ્પષ્ટ થયું છે. ત્યારે સ્કૂલ લિવિંગ સટફિકેટ ફક્ત આરોપીના માતા-પિતાના મૌખિક સૂચન મુજબ બનાવવામાં આવ્યું છે, તેમ જ આરોપીનું જન્મનું પ્રમાણપત્ર ઉપલબ્ધ નથી. સ્કૂલ લિવિગ સર્ટિફિકેટની ખરાઇને લઇને પણ શંકા છે તેથી આવી વિસંગતતાઓના આધાર પર ડ્રગ્સ કેસ જેવા ગંભીર ગુનામાં આરોપીને તેનો લાભ મળી શકે નહી.