Vadodara,તા.21
વડોદરામાં ઐતિહાસિક માંડવી ગેટની હાલત દયાજનક બની રહી છે, તેવી જ સ્થિતિ વડોદરા નજીક સેવાસી ખાતે આવેલી આશરે 633 વર્ષ પુરાણી સેવાસી વાવની છે. માંડવીની જેમ સેવાસી વાવ પણ હેરિટેજ બિલ્ડીંગો પ્રત્યે તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનો ભોગ બની રહી છે. બે દિવસ અગાઉ વિશ્વ હેરિટેજ દિનની ઉજવણી થઈ, પરંતુ લોક પ્રતિનિધિઓ અથવા તો તંત્ર કોઈ અધિકારીએ જઈને વાવની ભાળ મેળવી નથી. સદીઓ અગાઉ સેવાસીની પગથીયાવાળી વાવ નજીકના ગામો માટે જીવાદોરી સમાન હતી. સેવાસીના જ સંત વિદ્યાધર માટે આ વાવનું નિર્માણ 1492 માં કરવામાં આવ્યું હતું. સાત માળની ઊંડાઈ ધરાવતી આ વાવ ઈંટ અને પથ્થરના ચણતરથી તૈયાર કરવામાં આવી હતી, જે તેની કલાત્મક કોતરણી અને બાંધકામને લીધે લોકોમાં લોકપ્રિય હતી. ગામના પ્રવેશદ્વાર પાસે આવેલી આ વાવ તંત્રની સતત ઉપેક્ષાને લીધે બદતર હાલતમાં મુકાઈ ગઈ છે.અગાઉ વહીવટી તંત્ર અને અર્કિયોલોજી વિભાગની વિવિધ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ પછી કંઈ થયું હોય તેમ લાગતું નથી. ગામ લોકોના કહેવા મુજબ સેવાસી એક સમયે ગામનું ગૌરવ હતી. આખું વર્ષ ગામને વાવમાંથી પાણી મળી રહેતું હતું. થોડાક દાયકાઓ અગાઉ વાવમાં 30 ફૂટ પાણી ભરેલું હતું. પરંતુ ભૂગર્ભ જળ નીચે ઉતરતા અને કુદરતી સ્ત્રોત સુકાતા વાવના પાણીના ભંડારને અસર થઈ છે. હવે તો પાણી પણ ગંદુ થઈ ગયું છે. સુલતાન મહેમુદ બેગડાના સમયની આ વાવની કોતર કલા પણ અદભુત છે. વાવનું બાંધકામ ઘણી જગ્યાએથી જર્જરિત થઈ ગયું છે, અને રીપેરીંગ કરવી પડે એવી સ્થિતિ છે. ઈંટો દેખાઈ રહી છે.
અમુક થાંભલા મજબૂત કરવાની જરૂર છે. મોટા મોટા પોપડા ઉખડી ગયા છે .અંદર પુષ્કળ ગંદકી છે. પ્લાસ્ટિક કચરો જ્યાં ત્યાં પડ્યો રહ્યો છે. મેન્ટેનન્સ જરા પણ કરાતું નથી. અહીં ફરવા આવનારા લોકો પણ કહે છે કે મેન્ટેનન્સના વાંકે વાવની હાલત વધુ બગડી છે. જો આ ગામનું ગૌરવ હોય તો લોકોએ પણ તેની કાળજી લેવા સક્રિય બનવું પડે. અગાઉ તંત્ર દ્વારા આ વાવના જીર્ણોદ્ધાર માટે સળવળાટ શરૂ થયો હતો, પરંતુ બાદમાં કશું થયું ન હતું. હાલ ત્યાં એકમાત્ર રક્ષિત સ્મારક હેઠળનું બોર્ડ જોવા મળી રહ્યું છે. પૌરાણિક સ્મારકો અને પુરાતત્વો વિષય સ્થળો અને અવશેષો અંગેના અધિનિયમ હેઠળ રક્ષિત સ્મારક કોઈ બગાડે કે વિકૃત કરે તો દંડ અને ત્રણ માસની સજા થઈ શકે તેવું લખેલું છે, પરંતુ આ બોર્ડ લગાવી દેવાથી વાવને જે નુકસાન થઈ રહ્યું છે તે ભરપાઈ થવાનું નથી. ગુજરાતમાં બીજે સ્થળે જે રીતે કલાત્મક વાવોનું જતન કરવામાં આવી રહ્યું છે, તે રીતે આ વાવનું પણ સંરક્ષણ કરવું જરૂરી છે. વડોદરામાં માંડવી, ન્યાય મંદિર, લહેરીપુરા ગેટ સહિત અનેક હેરિટેજ બિલ્ડીંગોની દુર્દશા છે. હેરિટેજ બિલ્ડીંગોની જાળવણી માટે વાતો કરવામાં આવે છે, પરંતુ તેના માટે કોર્પોરેશનમાં હેરિટેજ સેલ જ નથી.