વિકાસ માટે ભારત સ્પેન ઉપર વિશ્વાસ રાખી શકે છે: સાન્ચેઝનું સંબોધન: ભારતીય એન્જીનીયરો અને ટેકનીશીયનોની નવી પેઢીને સ્પેન પ્રશિક્ષીત કરશે
Vadodara, તા.28
દેશમાં સર્વ પ્રથમ ખાનગ ક્ષેત્ર દ્વારા નિર્મિત લશ્કરી વિમાન એસેમ્બલી પ્લાન્ટને ખુલ્લો મુકતા વડાપ્રધાને હાલમાં જ દિવંગત થયેલા દેશના સૌથી સન્માનનીય ઉદ્યોગપતિ રતન ટાટાને યાદ કર્યા હતા. અને કહ્યું હતું કે તેઓએ આ સાહસનું સ્વપ્ન જોયું હતું અને આજે તે સાકાર થઇ રહ્યું છે. તે રતન ટાટાને સૌથી મોટી શ્રધ્ધાંજલિ છે.
વડોદરામાં બોઇંગ સ્પેન અને ટાટા ગ્રુપની એવીએશન કંપની દ્વારા સંયુક્ત રીતે સી-295 એરક્રાફટની ફાઇનલ એસેમ્બલી પ્લાન્ટને ખુલ્લો મુક્યો હતો અને ટાટા એરક્રાફટ કોમ્પ્લેક્ષમાં બંને વડાપ્રધાનોએ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પૂર્વે તેઓએ વડોદરામાં એક રોડ શો કર્યો હતો અને બાદમાં તેઓ આ પ્લાન્ટ સાથે પહોંચ્યા હતા. તેમની સાથે સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ પણ બાદમાં જોડાયા હતા.
વડાપ્રધાને જણાવ્યું કે સ્પેનીશ અને યુરોપીયન એરોનેટીક ઉદ્યોગનું આ સંયુક્ત સહાસ અનેક સંરક્ષણ ઉત્પાદનો બનાવવામાં પ્રથમ કદમ છે. જેના કારણે અહીં વ્યાપકપણે રોજગારી વધશે અને સ્થાનિક સ્તરે ભારતમાં 18 હજાર મીની ફેકટ્રી જે માઇક્રો અને સ્મોલ લેવલમાં કામ કરે છે.
તે દેશભરમાંથી અહીં સ્પેરપાર્ટસ સહિતની સુવિધાઓ પુરી પાડશે. સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાન્ચેઝએ જણાવ્યું કે ભારત વિકાસ માટે સ્પેન ઉપર વિશ્વાસ રાખી શકે છે. ભારતના એન્જીનીયરો અને ટેકનીકશીયનોની નવી પેઢીને પ્રશિક્ષીત કરવામાં પેન ભૂમિકા ભજવશે.
વડાપ્રધાનના સંબોધનમાં યોગથી લઇ ફૂટબોલ સુધીનો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એરક્રાફટ પ્લાન્ટના પ્રારંભ સમયે પોતાના સંબોધનમાં યોગ અને ફૂટબોલ અને ખાસ કરીને ગઇકાલે જ રમાયેલી રીયલ માડ્રીક અને બાર્સલોના મેચનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહયું કે સ્પેનના યોગ ખૂબ જ લોકપ્રિય છે તે મેં સાંભળ્યું છે.
તો ગઇકાલે જ રીયલ માડ્રીક અને બાર્સલોના વચ્ચે ફૂટબોલ મેચ હતો તે ભારતમાં પણ ફૂટબોલ પ્રેમીએ નિહાળ્યો હતો અને હું ગેરંટી સાથે કહું છું કે બંને ટીમના ચાહકો ભારતમાં છે અને અહીં પણ બન્ને વચ્ચે ચર્ચા હતી અને બાર્સલોનાની શાનદાર જીતને પણ વધાવવામાં આવી હતી.
લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્પેનના વડાપ્રધાનને ગુજરાતી ભોજન પીરસાયું
ભારતની મુલાકાતે આવેલા સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાન્ચેઝના માનમાં વડાપ્રધાન અહીંના શાનદાર લક્ષ્મી વિલાસ પેલેસમાં ભોજન આપ્યું હતું જેમાં સાન્ચેઝ અને તેમના પત્નીને ગુજરાતી ભોજનથી પણ માહિતગાર કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવી હતી.
જેમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, વડોદરાની પ્રખ્યાત ભાખરવડી અને લીલો ચેવડો જ્યારે ખીચડી-કઢી, રીંગણા, વટાણાનું શાક ઉપરાંત મગની દાળનો શીરો, પુરનપુરી, બાસુંદી અને રબડી પણ પીરસાયા હતા અને બન્ને વડાપ્રધાનોએ ભોજન ટેબલ પર બેસતા સમયે પણ સ્પેનની વાગનીઓ અંગે ચર્ચા કરી હતી.
મોદી અને સાન્ચેઝે અચાનક જ રોડ શોનો કાફલો અટકાવ્યો
આજે વડોદરામાં રોડ શો સમયે બન્ને વડાપ્રધાનો ખુલ્લી જીપમાં હતા અને તે સમયે એક ખાસ દ્રશ્ય સૌના માટે આકર્ષક બની ગયું હતું. વડોદરાની એક દિવ્યાંગ વિદ્યાર્થીની દિયા ગોસાઇ સારી ચિત્રકાર પણ છે અને તેને બન્ને વડાપ્રધાનોના ચિત્રો દોર્યા હતા.
તે લઇને રોડ શોના માર્ગમાં ઉભી રહી હતી વડાપ્રધાનોનો કાફલો ત્યાંથી નીકળ્યો તો બંને વડાપ્રધાનોનું ધ્યાન તેમના પર ગયુું હતું અને તુર્ત જ જીપ અટકાવી હતી અને આ વિદ્યાર્થિની દિયાને મળવા જીપ નીચે પહોંચી ગયા હતા અને તેણે જે ચિત્રો બનાવ્યા હતા તેની ભેટ સ્વીકારી હતી.
બન્ને વડાપ્રધાન એક જ કારમાં લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચ્યા: દ્વિપક્ષી મંત્રણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાન્ચેઝ એરોનેટીક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જ કારમાં લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચ્યા હતા. જ્યાં બન્ને રાષ્ટ્રવડાઓએ દ્વીપક્ષી બેઠક યોજી હતી અને આગામી સમયમાં ભારત અને સ્પેન વચ્ચે વ્યાપાર તેમજ સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે અનેક કરારોના સાક્ષી બન્યા હતા.
બંને વડાપ્રધાન લક્ષ્મીવિલાસ પેલેસમાં સાથે ભોજન લેશે જેમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ પણ જોડાયા છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને વડાપ્રધાનોના આગમન સાથે સામાન્ય મુલાકાતીઓને પ્રવેશ પ્રતિબંધ લાદી દેવાયો હતો. અહીં તેઓ સાથે ભોજન પણ લેશે અને બાદમાં મોદી અમરેલી આવવા રવાના થશે. જ્યારે સ્પેનના વડાપ્રધાન તેમની મુંબઇ મુલાકાતનો પ્રારંભ કરશે.