Vadodara,તા.05
નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી. આ દરમિયાન સગીરાના મિત્રને ગોંધી રાખીને ત્રણ લોકોએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટનાસ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યાં હતા.
પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ‘પીડિતા તેના મિત્ર સાથે મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી નજીક વાત કરી રહી હતી. આ દરમિયાન બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી. જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો. આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.’ જો કે, જિલ્લા પોલીસ વડા દાવો કર્યો, પીડિતા તેના મિત્રને મળવા માટે ગઈ હતી. ગરબા રમવા માટે ગઈ નહોતી.