વડોદરા,તા.૨૩
આવકવેરા વિભાગે પોતાની દિવાળી સુધારવા બીજાની દિવાળી બગાડવાનું શરૂ કરી દીધું છે. આવકવેરા વિભાગે વડોદરાના બે નામાંકિત બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ શહેરોની આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે.
બે કરતાં વધુ બિલ્ડર જૂથો પર પાડવામાં આવેલા દરોડામાં, આવકવેરા વિભાગની ટીમો રિયલ એસ્ટેટ, જૂથ સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયો અને એક ડઝનથી વધુ સ્થળોએ આર્કિટેક્ટ્સના સ્થાનોની પણ તપાસ કરી રહી છે. આટલી મોટી કાર્યવાહી બાદ મોટી કરચોરી ઝડપાય તેવી પ્રબળ શક્યતા છે. આ ઘટના બાદ વડોદરાના મોટા ટેક્સ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ બિલ્ડરોની સાથે સ્થાનિક રાજકારણીઓ પણ તેમા ભાગીદાર છે.
વડોદરા સહિત દેશભરમાં દિવાળીના તહેવારને હવે માંડ એક સપ્તાહથી વધુનો સમય બાકી રહ્યો છે. વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગની ટીમોએ વડોદરાના નિલેશ શેઠ અને સૌનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જૂથો પર દરોડા પાડ્યા છે.
વડોદરા, અમદાવાદ અને સુરત એમ ત્રણેય શહેરોની ટીમો બંને બિલ્ડરની ટીમો સાથે મળીને દસ્તાવેજો, હિસાબી રેકોર્ડ, ઈલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની સઘન તપાસ કરી રહી છે. દરોડામાં ૧૨૦થી વધુ અધિકારીઓએ ભાગ લીધો છે.
આ દરોડાના પગલે બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં રિયલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંબંધિત અન્ય વ્યવસાયો અને એક આર્કિટેક્ટ સુધી પણ તપાસ પહોંચી છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહી બાદ ટેક્સ ચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી છે. તપાસમાં લાંબો સમય લાગે તેવી શક્યતા છે. અને તપાસના અંતે કોઈ મોટી કરચોરી ઝડપાઈ જાય તો નવાઈ નહીં. હાલમાં આવકવેરા વિભાગના દરોડા બાદ બિલ્ડર લોબીમાં મૌન છે.