Vadodara,તા.05
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ભરતી માટે ના નિયમો માં ફેરફાર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરવામાં આવી છે જેમાં જુના રિક્રુટમેન્ટ રુલ્સ ના સ્થાને આંતરિક અને સીધી ભરતી અંગેના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાને કારણે કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી માટે ઉંમરનો બાધ હતો નહીં તે હવે લાગુ પડશે અને 40 વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેશનના કર્મચારી આસિસ્ટન્ટ કમિશનર તરીકે અરજી કરી શકશે નહીં.
વડોદરા કોર્પોરેશનમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની પાંચ જગ્યા મંજુર થયેલી છે. મંજુર જગ્યાઓ પૈકી એક જગ્યા ભરાયેલી છે. ચાર ખાલી જગ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્નારા સને 2019 તથા 2020 માં વડોદરા શહેરના હ્રદ વિસ્તારમાં કુલ 57,48 ચો.કિ.મી.નો સમાવેશ કરતા વડોદરા શહેરનો કૂલ વિસ્તાર 215.08 ચો.કિમી થયો છે. સમાવિષ્ટ થયેલા વિસ્તારને ધ્યાને લેતાં સંબંધિત વહીવટી વોર્ડના વિસ્તારમાં મોટા પાયે વધારો થયેલ છે. વધુમાં ઇલેકશન વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તાર પ્રમાણે 1 થી 19 વહીવટી વોર્ડ તથા ઝોનની રચના કરવામાં આવી છે, જે મુજબ હયાત વહીવટી વોર્ડ/ઝોનની કામગીરીમાં વધારો થયો છે.
આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યાની ભરતીની લાયકાત ઘણી જ જૂની છે. તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી તા.4-6-2024 ના પત્રથી વર્ષો જૂની લાયકાત ધરાવતી જગ્યાઓની લાયકાતમાં સુધારો કરવા જાણ કરવામાંઆવી છે.
આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યાની હાલની લાયકાત પ્રમાણે આંતરિક ભરતી :
(1) આસિસ્ટન્ટ કમિશનરના પે સ્કેલની તરત નીચેની પે સ્કેલ વાળા જેઓ એડમીનિસ્ટ્રેટિવ કેડરમાં કામ કરતા હોય જેમાં વોર્ડ ઓફિસર, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હાઉસિંગ, ગેસ અને આવી એડમીનનીસ્ટ્રેટિવ કેડર વાળા માન્ય ગણાશે.
(2) ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ નહીં કરે ત્યાં સુધી કાયમી નહીં થાય
સીધી ભરતી :
(1) માન્ય યુનિવર્સિટી માંથી આર્ટ્સ સાયન્સ કોમર્સ લો માં 50% માર્કસથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ
(2) તુલનાત્મક જવાબદારી વાળી જગ્યા પર પાંચ વર્ષનો અનુભવ
(3) 35 વર્ષથી વધુ નહીં, અને ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ઉંમરનો બાધ લાગશે નહીં.
કોર્પોરેશન દ્વારા અને હાલમાં રાજ્ય સરકારના માર્ગદર્શન પ્રમાણે નવા રિક્રુટમેન્ટ રુલ્સમાં સુધારો કરવામાં આવનાર છે તેમાં કોર્પોરેશનના કર્મચારીઓ માટે ઉંમરનો બાધ હતો નહિ તે નિયમ હટાવી દેવામાં આવ્યો છે. અને સીધી ભરતી માટે કોર્પોરેશનના કર્મચારી જે કાયમી કે ફિક્સ પગાર કે પ્રોબેશન પર હોય અને તે છ મહિનાથી તે જગ્યા પર ફરજ બજાવી હોય તે ઉમેદવાર લાયક ગણાશે તેવો ફેરફાર કર્યો છે જ્યારે નવા નિયમમાં આંતરિક ભરતી પ્રક્રિયામાં પણ ઉંમરના બાધના નિયમ અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી વિવાદ સર્જાયો છે.
નવા રિક્રુટમેન્ટ રૂલ્સ અંગે ભલામણ કરવામાં આવી છે જેમાં આંતરિક ભરતી : (1) આઠ વર્ષથી ઓછો અનુભવ ધરાવતા ના હોય તેવા એડમિનિસ્ટ્રેટિવ કેડરમાં કામ કરતા હોય અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના પે સ્કેલથી તરત નીચેની પે સ્કેલ વાળા કર્મચારી લાયક ગણાશે (2) ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે (3) ગુજરાત સિવિલ સર્વિસ કોમ્પીટન્સી ટ્રેનીંગ અને એક્ઝામિનેશન વર્ષ 2006 અથવા કોમ્પ્યુટર પરીક્ષા જે વીએમસીએ નક્કી કરેલી હોય તે પાસ જોઈશે. (4) જો આઠ વર્ષનો અનુભવી લાયક ઉમેદવાર મળે નહીં તો જગ્યા ભરવી જરૂરી હોય તો ઓછા અનુભવના વર્ષો વાળા ઉમેદવારને લાયક કે જેનો અનુભવ આઠ વર્ષથી ઓછો બે ત્રણ એટલે કે પાંચ વર્ષનો હોય તે લાયક ઉમેદવાર ગણવાનો રહેશે.
સીધી ભરતી : (1) 18 થી ઓછી ઉંમરનો અને 40 થી વધુ ઉંમરનો ઉમેદવાર હોવો જોઈએ નહીં. વીએમસીના કર્મચારી જે કાયમી હોય ફિક્સ પગાર પ્રોબેશન પર હોય અને છ મહિનાથી તે જગ્યા પર ફરજ બજાવી હોય તે ઉમેદવાર લાયક ગણાશે.(2) કોઈપણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ માન્ય યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હોવો જોઈએ (3) પાંચ વર્ષનો અનુભવ એડમીનીસ્ટ્રેટિવ અથવા લો ક્ષેત્રમાં કોર્પોરેશન, લોકલ બોડી, યુનિવર્સિટી, કંપનીમાં આઠમાં પગાર સ્તર સુધી પગાર મેળવનાર લાયક ગણાશે જ્યારે તેનાથી નીચા પગાર મેળવવાવાળો ઉમેદવાર લાયક નહીં ગણાય (4) પ્રોબેસનના સમયમાં કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરવી પડશે (5) ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી (6)ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરવી પડશે (7) ઉમેદવારની પસંદગી બાદ બે વર્ષનો પ્રોબેસનનો સમય રહેશે.
સ્થાયી સમિતિની દરખાસ્તમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એકની જગ્યાની લાયકાતમાં સુધારો કરવા તથા આ જગ્યાની સંખ્યા એકી સંખ્યામાં હોવાના પ્રસંગે આંતરિક પસંદગીથી ભરતી કરવાની સંખ્યા અને સીધી ભરતીથી ભરવાની સંખ્યા કરતાં વધુ રહેશે તે મુજબ સરકારની મંજૂરી મેળવવાની કાર્યવાહી માટે મ્યુનિસિપલ કમિશનરને અધીકૃત કરવા જણાવ્યું છે.