Vadodara,તા.30
વડોદરા શહેરમાં ગટર લાઈનો અવારનવાર બેસી જતી હોવાથી તેના રીપેરીંગ માટે કોર્પોરેશનને મોટો ખર્ચ થતો હોય છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારમાં પાંચ સ્થળે ડ્રેનેજ લાઈન બેસી જતા કોર્પોરેશનને રીપેરીંગ માટે 40 લાખનો ખર્ચ થયો હતો. ગટર લાઇન બેસી જાય એટલે પાણીનો નિકાલ થઈ શકતો નથી. ગટરનું પાણી બીજી જગ્યાએ ડાયવર્ટ કરવામાં પણ તકલીફ પડતી હોય છે. જેના કારણે ડ્રેનેજ રોડ પર ઉભરાતી હોવાથી ગંદકી અને આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થતાં રહે છે. જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનને એકટની કલમ 67 ત્રણ( સી) હેઠળ રીપેરીંગની કામગીરી કરાવવી પડે છે.
વડોદરા શહેરના કલાલી વડસર 400 મીટર રીંગરોડ પર જાગનાથ સ્મશાનની એન્ટ્રી પાસે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડતા તેના રીપેરીંગ માટે 17.69 લાખનો ખર્ચ થયો હતો. પશ્ચિમ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 12, અકોટા સન્મતિ સોસાયટી પાસે, ટ્રંક સુવર ગ્રેવિટી લાઈનમાં ભંગાણ પડતા રીપેરીંગ માટે 7.39 લાખનો ખર્ચ થયો હતો. વોર્ડ નંબર 16, પૂર્વ ઝોનમાં વાઘોડિયા એપીએસ કમ્પાઉન્ડ પાસે વાઘોડિયા પંપીંગ સ્ટેશનમાં જતી મુખ્ય ડ્રેનેજ લાઈન પર ભંગાણ થતાં રીપેરીંગ માટે 4.99 લાખનો ખર્ચ થયો હતો. વોર્ડ નંબર, 17 સુસેન સર્કલ પાસે, પારસિક સોસાયટીના ગેટ પાસે મુખ્ય ડ્રેનેજ લાઈન ઉપર થયેલા ભંગાણનો રીપેરીંગ ખર્ચ 9.53 લાખ થયો હતો. જ્યારે હરણી, ગદા સર્કલ પાસે પંપીંગ સ્ટેશનની ડ્રેનેજ લાઈન નજીક ભંગાણ થવાથી રીપેરીંગ કરવાનો ખર્ચ 62 હજાર થયો હતો. ગટર લાઈનો જર્જરીત થવાથી અને તેમાં પાણીનું પ્રેશર વધતા તેમજ રોડ પર વાહન વ્યવહારની સતત આવજાના કારણે ઉપરથી દબાણ વધવાથી લાઈન તૂટે છે.