Vadodara,તા.૧૭
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક પતિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. આ દંપતીને છ મહિનાની પુત્રી પણ છે. જોકે, હત્યાને કારણે હવે બાળકીએ તેની માતાનો છાયો ગુમાવ્યો છે. જેપી રોડ પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે.
શેખ પરિવાર થોડા દિવસો પહેલા તાંદલજા વિસ્તારની મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર ૨, ૧૯૭ નંબરના મકાનમાં રહેવા ગયો હતો. ૨૩ વર્ષીય મિસ્બા શેખ અને તેના પતિ કાસિમ શેખ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં કાસિમે તેની પત્ની મિસ્બાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. મિસ્બાને છ મહિનાની પુત્રી છે.
ઘટનાની માહિતી મળતાં, જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આરોપી પતિ કાસિમ શેખની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.મૃતક મિસ્બા શેખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનો હેતુ જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આવી બીજી ઘટના ભાવનગર જીલ્લામા બની છે જેમાં એક ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કરી છે. હત્યા કર્યા બાદ તેને આ ત્રણેયને ૭ ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધા હતા. ભાવનગરના રહેવાસી છઝ્રહ્લ શૈલેષ ખંભાળ ૫ નવેમ્બરના રોજ ગુમ થયા હતા અને ૧૬ નવેમ્બરના રોજ તેમની પત્ની અને બે બાળકો ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી ૨૦ ફૂટ દૂર ખાડામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મૃતદેહો પથ્થરોથી દાટવામાં આવ્યા હતા. ગઈકાલે મૃતક નયનાબેન, પુત્રી પ્રીથા અને પુત્ર ભવ્યના પોસ્ટમોર્ટમ પછી, રવિવારે રાત્રે પતિની ગેરહાજરીમાં અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈએ કહ્યું જે રીતે મૃતદેહોને તેમના ઘરેથી લાવવામાં આવ્યા હતા અને પથ્થરોથી દફનાવવામાં આવ્યા હતા તે સ્પષ્ટપણે દર્શાવે છે કે એક કરતાં વધુ લોકો તેમાં સામેલ હતા. આ જઘન્ય કૃત્ય કરનારાઓને મૃત્યુદંડની સજા મળવી જોઈએ.

