Vadodara ,તા.31
વડોદરાની એક 15 વર્ષીય છોકરીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને ચાઈલ્ડ વેલફેર કમિટીને તેના માતા-પિતા પાસેથી તેના એજ્યુકેશનના સર્ટિફિકેટ્સ મેળવવાનો આદેશ આપવાની માંગ કરી છે, જેથી કરીને તે વડોદરામાં પોતાનો અભ્યાસ ચાલું રાખી શકે.
સગીર વયની પુત્રીનાં માતા-પિતાએ તેનું એડમિશન પાટણની એક સ્કૂલમાં ધોરણ-11માં કરાવ્યું હતું. જોકે, તે પાટણ જવા ન હતી ઈચ્છતી અને તે પોતાના નાના-નાનીને ત્યાં વડોદરામાં રહેવા ઈચ્છતી હતી. તેના નાના-નાનીએ વડોદરાની એક સ્કૂલમાં તેનું પ્રોવિઝનલ એડમિશન લીધું હતું.
છોકરીના માતા-પિતા પાટણમાં રહેતા હતા અને તેને વડોદરામાં પોતાના નાના-નાનીને ત્યાં મૂકી હતી, અને તેના અભ્યાસનો ખર્ચો પણ તેઓ જ ઉઠાવતા હતા.
અરજી પ્રમાણે, છોકરીએ ધોરણ-10નો અભ્યાસ પૂરો કર્યો ત્યારબાદ તેના માતા-પિતાએ તેની માર્કશિટ અને લિવિંગ સર્ટિફિકેટ મેળવ્યું હતું, અને તેને તેમની સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. તેના માટે છોકરીની માતાએ પાટણની એક સ્કૂલમાં તેનું એડમિશન પણ કરાવ્યું હતું. જોકે, છોકરી પોતાના નાના-નાનીની સાથે વડોદરામાં જ રહેવા અને ભણવા ઈચ્છતી હતી.
છોકરીની માતા અંતે તેને વડોદરા મૂકીને પાટણ જતી રહી હતી, અને ત્યારબાદ તેના નાના-નાનીએ છોકરીના માતા-પિતા પાસેથી તેના સર્ટિફિકેટ્સ મેળવવા માટે વડોદરામાં ચાઈલ્ડ વેલફેર કમિટીમાં અરજી કરી હતી.
વકીલ દીપમાલા દેસાઈ મારફતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, છોકરી પોતાનો અભ્યાસ ચાલું રાખવા ઈચ્છે છે પરંતુ તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તેના માતા-પિતા પાસે હોવાથી તે તેને સ્કૂલમાં જમા કરાવી શકી નથી, અને તેને લીધે સ્કૂલે તેનું એડમિશન રદ કરી દીધું છે. જેને લીધે છોકરીનો અભ્યાસ બગડી રહ્યો છે અને તેને માનસિક આઘાતમાં આવી ગઈ છે.
પ્રારંભિક સુનાવણી પછી જસ્ટિસ નિખિલ કારિએલે સંબંધિત અધિકારીઓને નોટિસ જારી કરીને આ મામલાની વધુ સુનાવણી 25 ઓગસ્ટના રોજ મુલતવી રાખી હતી.