Surat, તા.૨૭
શહેરમાં હોટલ લે મેરીડિયનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ અને હોટલમાં બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ આરંભી હતી. જોકે આ બનાવ હજુ હજુ ઠંડો પણ નથી પડ્યો અને ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકીની બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતા જ ફ્લાઈટમાં બેસેલા તમામ મુસાફરોને સુરત એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા હતા.
વડોદરા-ગોવા જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે ફ્લાઈટ વડોદરાથી ઉપડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફ્લાઈટનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તે ફ્લાઈટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પહેલા મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા અને પછી ચેકિંગ હાથ ધરવામાં આવેલું.
જેવી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી કે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. જેમાં એરપોર્ટ પર એરપોર્ટ પોલીસ, ડુમસ પોલીસ, ફાયર વિભાગની ટીમ અને ડોગ સ્ક્વોડ દ્વારા ફ્લાઈટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અગાઉ સવારે સુરતના ડુમસ રોડ પર આવેલ હોટલ લે મેરીડિયનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેથી પોલીસે ત્યાં પણ બોમ્બ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટમાં પણ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે આજે વધુમાં ફરી સુરતની હોટલ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.
સાથે જ વડોદરાથી ગોવા જતી ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. જેથી આ ઘટનાઓ હાલ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સાથે જ દિવાળી સમયે આવી ધમકી મળવી તે એક ગંભીર મુદ્દો કહી શકાય.

