Vadodara,તા.16
દિવાળીના તહેવારો આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે, શહેરમાં ઠેર-ઠેર દુકાનો સહિત મકાનો રોશનીથી શણગારવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે શાળા-કોલેજોમાં દિવાળીનું વેકેશન શરૂ થઈ ગયું છે. જેથી બાળકોમાં પણ દિવાળીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ખાનગી કંપનીઓ, સરકારી અર્થ સરકારી અને પાલિકા કર્મીઓને બોનસની વહેંચણી થતા ઘરાકી પુર બહારમાં ખીલી છે. જેમાં ખાસ કરીને લોકો તૈયાર કપડા પગરખા સહિત ફટાકડા રોશનીની ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મંગળ બજાર, લહેરીપુરા, માંડવી જેવા વિસ્તારોમાં વાહન હંકારીને નીકળવું માથાના દુખાવા બની ગયું છે. રોડ રસ્તા પર પણ ચાલવાની ક્યાં જગ્યા ભાગ્યે જ મળે છે. જોકે પ્રદર્શન મેદાન ખાતેના ફટાકડા બજારમાં ગ્રાહકોની ભીડ પ્રમાણમાં ખૂબ ઓછી જણાય છે. ભીડભાડથી બચવા લોકો નજીકના સ્થળેથી ખરીદી કરવાનું મન બનાવી લીધું હોય તેમ નહીં માનવાને કોઈ કારણ નથી.