આક્ષેપોમાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી, તેમને કેદમાં રાખીને અત્યાચાર તેમજ નાણાકીય ગેરરીતિ જેવા મુદ્દા સામેલ હતા
New Delhi, તા.૧૫
સુપ્રીમ કોર્ટે ૨૫ ઓગસ્ટના રોજ જામનગર સ્થિત વનતારા પ્રાણી પુનર્વસન કેન્દ્ર સામે ઉઠેલા ગંભીર આક્ષેપોની તપાસ કરવાના હેતુથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (EOW)ની રચના કરી હતી. વનતારા સામેના આક્ષેપોમાં ગેરકાયદે રીતે પ્રાણીઓની ખરીદી, તેમને કેદમાં રાખીને અત્યાચાર તેમજ નાણાકીય ગેરરીતિ જેવા મુદ્દા સામેલ હતા. જો કે, એસઆઈટી રિપોર્ટ આવતા જ સુપ્રીમ કોર્ટે આ તમામ આરોપો ફગાવીને વનતારાને ક્લિનચિટ આપી છે. એટલું જ નહીં, આ આક્ષેપો કરનારાની પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની બેન્ચે ઝાટકણી કાઢી હતી.
વનતારા સામે પશુ-પક્ષીઓની ગેરકાયદે હેરાફેરી તેમજ હાથીઓને ગેરકાયદે રીતે ગોંધી રાખવાના આરોપ સામે તપાસની માગ કરાઈ હતી. જો કે, વનતારા સામે વિવિધ ફરિયાદો બાદ હાથ ધરાયેલી તપાસમાં EOWએ તમામ મુદ્દાની વિગતવાર સમીક્ષા કરી હતી. આ તપાસને અંતે રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, વનતારામાં કોઈપણ પ્રાણીઓને ગેરકાયદે લવાયા નથી, તેમની સાથે દુર્વ્યવહાર કરાતો નથી અને તેઓ સામે ભ્રષ્ટાચારના પણ કોઈ પુરાવા નથી. આ ટીમે સ્પષ્ટ કર્યું છે કે, વનતારાની પ્રવૃત્તિ કાયદા અને નિયમોના કડક પાલન સાથે ચાલે છે અને તે મુખ્યત્વે પ્રાણીઓના સંરક્ષણ, બચાવ તથા પુનર્વસન માટે જ કાર્યરત છે.
આ દરમિયાન જસ્ટિસ પંકજ મિત્તલ અને પ્રસન્ના વરાલેએ ઓછા સમયમાં રિપોર્ટ આપનારી એસઆઈટીના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, વનતારા તરફથી હાજર રહેલા સીનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે આ રિપોર્ટ જાહેર થાય. દુનિયામાં અનેક લોકો અમારી સાથે વ્યવસાયિક હરીફાઈ કરે છે, જેથી આ મુદ્દાનો દુરુપયોગ થઈ શકે છે.
EOWનો રિપોર્ટ રજૂ થયા બાદ સોમવારે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે, વનતારા ‘કાયદાનું સંપૂર્ણ પાલન કરતી’ સંસ્થા છે. આ સાથે કોર્ટે ચેતવણી પણ આપી છે કે, માત્ર શંકા કે પુરાવા વગરના આક્ષેપોને આધારે કોઈ સંસ્થાની પ્રતિષ્ઠાને કલંકિત કરવી યોગ્ય નથી. આવા દાવા વન્યજીવન રક્ષણ અને પ્રાણી કલ્યાણ માટેના સાચા પ્રયાસોને હાનિ પહોંચાડી શકે છે.
આ દરમિયાન કોર્ટે જણાવ્યું છે કે, ભવિષ્યમાં પ્રાણીઓ સંબંધિત આ સ્થિતિ ઉપર નજર રખાશે, પરંતુ હાલ તો વનતારા કાયદાકીય અને નૈતિક ધોરણોને અનુરૂપ કાર્યરત હોવાથી તેને બદનામ ન કરવી જોઈએ.
આ સુનાવણીમાં અરજદારે મંદિરના હાથીઓનો મુદ્દો ઉઠાવીને પણ વનતારા પર વિવિધ આક્ષેપ કર્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, ‘તમને કેવી રીતે જાણ થઈ કે મંદિરના હાથીઓને સારી રીતે નથી રખાતા. આપણા દેશમાં અનેક બાબતો છે, જેના પર ગર્વ થઈ શકે. તેને કારણ વિનાના વિવાદોમાં ના ઢસડો. જો કોઈ હાથીઓ રાખવા ઈચ્છે છે અને નિયમોનું પાલન કરે છે, તેમાં ખોટું શું છે? નોંધનીય છે કે, આ કેસની તપાસ કરવા માટે રચાયેલી એસઆઈટીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જે. ચેલામેશ્વર, ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ અને મુંબઈ પૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે તેમજ વરિષ્ઠ આઈઆરએસ અધિકારી અનિશ ગુપ્તા સામેલ હતા.