Surat,તા.૨૭
સુરત શહેરના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વરાછા વિસ્તારમાં આવેલા શહેરના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજ નીચે વર્ષોથી દારૂ, ગાંજો, અફીણ, ડ્રગ્સ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાનો ગંભીર આક્ષેપ વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ કર્યો છે.ધારાસભ્યએ સુરત મહાનગરપાલિકા કમિશનર તેમજ પોલીસ કમિશનરને પત્ર લખીને બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતાં તત્વો દ્વારા ચાલતી આ બધી બદીઓ તાત્કાલિક બંધ કરવા તેમજ દબાણો દૂર કરવા માંગ કરી છે.
આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, “આ સ્થળેથી અધિકારીઓ સહિત હજારો લોકો રોજ પસાર થાય છે, છતાં વર્ષોથી આ ન્યુસન્સ ચાલે છે. અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવતો નથી.”કાનાણીએ આક્ષેપ કર્યો કે પોલીસ તંત્રની કામગીરીમાં કચાશ અને ઉણપ છે, જેના કારણે આ પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. તેમણે બંને વિભાગ પાસે સ્પષ્ટ જવાબ માંગ્યો છે કે, “આ સમસ્યાનો કાયમી ઉકેલ આખરે કેટલા દિવસમાં લાવવામાં આવશે?”
વરાછા વિસ્તારના રહેવાસીઓએ પણ આ બદીઓ અને ગંદકીથી કંટાળીને વારંવાર ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણયાત્મક પગલાં લેવાયાં નથી. ત્યારે ભાજપના ધારાસભ્યના આ પત્ર બાદ આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે જોવું રહયું…

