Rajkot તા.27
ગુજરાતના મંત્રીમંડળમાં જયેશ રાદડીયાને સ્થાન ન મળતા અનેકવિધ અટકળો વ્યકત થવા લાગી જ હતી તેવા સમયે ભાજપના આ શકિતશાળી નેતા ધારાસભ્યએ મંત્રીપદ ન મળવા મામલે ટીપ્પણી કરવાની સાથોસાથ સમાજ પર બળાપો કાઢયો હતો.
મહીસાગરના વડાગામ ખાતે પાટીદાર સમાજનાં સ્નેહમિલન કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હાજર જયેશ રાદડીયાએ પ્રવચનમાં લાલબતી ધરી હતી. સમાજમાં હાથ પકડવાનાં બદલે પગ ખેચવાની પ્રવૃતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને એક સંગઠીત બનવાનું આહવાન કર્યું હતું.
જયેશ રાદડીયા તથા ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલ વચ્ચેની કડવાશ વિશે લાંબા વખતથી ચર્ચા ચાલે જ છે. તેવા સમયે આ વિધાનો સૂચક છે. આ પ્રસંગે જયેશ રાદડિયાએ મંત્રીમંડળમા સ્થાન ન મળવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્થાન ન મળવુ એ નસીબની વાત છે, પાર્ટી જે કંઈ નિર્ણય તે શિરોમાન્ય છે. સમય, સંજોગ અનુસાર ચાલતું હોય છે. પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય. જોકે, તેમણે સાથે એ પણ કહ્યું કે, તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે છો.
આ સાથે જ તેમણે સમાજના લોકોને સલાહ આપતા કહ્યું કે, સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં. હાથ ખેંચી આગળ વધારો પગ ખેંચી નીચે ના પછાડો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે આવડા મોટા સમાજને એટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા એ સમાજની સૌથી મોટી કમનસીબી છે.
આવનાર દિવસોમાં સમાજને જ્યાં જરૂર પડે ત્યાં ભેગું થવું જ પડશે. સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં. જરૂર પડે ન્યાં સમાજના લોકોનો હાથ ખેંચો એને ઉપર લઇ આવો. પગ નહીં અત્યારના સમયમાં તમે જોતા હશો જેવો આગેવાન આગળ વધે એટલે પગ ખેંચીને પાડી દે.
યુવા નેતાએ આગળ કહ્યું કે, અનેક સંઘર્ષ પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. બરાબર સેટ થાય ત્યાં એને ખેંચે એટલે વળી નવેસરથી એકડો ઘૂંટવાનો. આવડા મોટા સમાજની કમનસીબી છે જરૂર પડે ન્યાં હાથ ખેંચવા બદલે પગ ખેંચવામાં આવે છે. પગ ખેંચી પાડી દેવાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં ચાલે છે આપણે એકે જ સમાજનો ઠેકો લીધો હોય એવું લાગે. એક વડીલે કીધેલી વાત મને બોવ ગમી જીવનમાં જયારે તમારો વિરોધ થાય ત્યારે એમ માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો અને સોળે કળાએ તમારો સૂરજ ખીલી રહ્યો છે.
તમે ટોચ ઉપર ચડ્યા હોય અને વિરોધ થાય એટલે માનવું કે તમે દિવસે દિવસે આગળ વધી રહ્યા છો. સમાજની અંદર બધું ભૂલી આપણે બધાએ એક મંચ ઉપર બેસવું પડશે. એક મંચ પર જ્યાં સમાજને જરૂર હોય ત્યાં ઉભું રહી જવાનું. અંદરો અંદરના પ્રશ્ન બંધ કરીશું તો જ સમાજ પ્રગતિ કરશે. મારી નાની ઉંમરમાં અહીંયા સુધી રાજકીય કારકિર્દી પહોંચી હોય તેમાં પાયાની અંદર સમાજનું ખુબ મોટું યોગદાન છે. અમારા સૌની જવાબદારી બને છે કે સમાજને આગળ લઇ જવો છે. સમાજની અંદર અનેક મુશ્કેલીઓ છે આ મુશ્કેલીઓ આપણે સાથે મળીને દૂર કરવાની છે.
સમાજનું સારું કામ કરો તો અનેક ભૂલ થશે પણ જેને કંઈ કરવું નથી એ માત્ર સમાજની ભૂલ ગોતવાનું કામ કરશે. સમાજની અંદર આવી ટીમ છે જે માત્ર ભૂલ ગોતવાનું કામ કરે છે. સમાજ પ્રગતિ વાળો ક્યારે થશે. ગુજરાતમાં રહેતો આપણો આવડો મોટો પાટીદાર સમાજ છે સમાજ એક થાય સંગઠિત થાય એ માટે દરેક મંચ ઉપરથી આગેવાનોએ પ્રયાસ કર્યા છે.
આપણા સમાજના અનેક આગેવાનો અને વડીલોએ ભૂતકાળમાં જે પરિસિ્થતિ હશે તેમાં અનેક પ્રયત્નો કર્યા. પરંતુ એક યા બીજી રીતે સફળતા નથી મળી. સફળતા ન મળે એટલે આગેવાન જગ્યા છોડી દે. પછી નવા આગેવાન આવે પછી ફરી એ પ્રયત્ન કરે વળી પાછા એ આગેવાન પણ છોડી છે.

