તબીબી સારવાર અર્થે નાણાંની જરૂરિયાત ઉભી થતાં યુવાન કટકે કટકે પાંચ વ્યાજખોરો પાસેથી કમ્મરતોડ વ્યાજે નાણાં લીધા’
Jetpur,તા.16
જેતપુરના શાકભાજીના ધંધાર્થી વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા. હોસ્પિટલના કામ અર્થે નાણાંની જરૂરિયાત ઉભી થતાં અલગ અલગ પાંચ વ્યાજખોરો પાસેથી કુલ રૂ.97 હજાર ચામરતોડ વ્યાજે લીધા હતા. બાદ વ્યાજખોરોએ યુવાનને ખૂનની ધમકી આપી અલગ અલગ બેન્કના કોરા ચેક તેમજ ચાર વાહનો વેચાણ કરાવી પડાવી લીધેલ હતા. Lમની લેન્ડિંગ એક્ટ હેઠળ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી હતી.
જેતપુરના જીથુડી રોડ પર ગોપી એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય શાકભાજીના ધંધાર્થી જયેશભાઈ સુભાષભાઈ લાલવાણીએ આરોપી તરીકે જેતપુરના કમલેશગીરી મોરારીગીરી ગોસ્વામી, વનરાજ સીસોદીયા, ઉમેશ આશરા, હુશેન જીકર તેરવાડીયા જયારે કુંકાવાવના વડિયાના વતની પૃથ્વીરાજસિંહ બોરીચા અને ભનેશ ધામેચાનું નામ આપી ફરિયાદ નોંધાવતા હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ માં હું તથા મારા પિતા અને માતા બીમાર હતા. જેથી હોસ્પીટલના ખર્ચ માટે રૂપિયાની જરૂરીયાત ઉભી થતાં કમલેશગીરી મોરારીગીરી ગૌસ્વામી પાસેથી રૂ.૧૦ હજાર માસીક ૨૦% વ્યાજે લીધેલ હતા. જેની સામે તેણે સિક્યોરિટી પેટે મારા બેંક ઓફ બરોડાના એકાઉન્ટના બે કોરા ચેક સહી કરાવી લઇ લીધેલ જતાં અને તે દરરોજ મારી દુકાને આવી વ્યાજ લઇ જતો હતો. બાદ મારી પાસે વ્યાજ ભરવાના રૂપીયા ન હોય કમલેશગીરી મારી પાસે આવેલ અને મને જેમફાવે તેમ ગાળો આપી જો તુ મારા વ્યાજના રૂપીયા નહિ આપે તો હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી. બાદ મને ધમકાવી વધુ બે કોરા ચેક સહી કરાવી પડાવી લીધેલ હતા અને મારી પાસેથી કોઈ લખાણમાં બળજરીથી સહિ કરાવી લીધેલ હતી, જે લખાણ પણ મને વાંચવા દિધેલ ન હતું. થોડો સમય પછી મારે દવાખાના કામ સબબ રૂપીયાની જરૂરીયાત ઉભી થતાં કમલેશગીરીને વાત કરતા તે મારી દુકાને આવી રોકડા રૂ.૧૦ હજાર માસીક ૨૦ % ના વ્યાજદરે આપી ગયેલ હતો. બાદ કમલેશગીરી મારી દુકાને વ્યાજના રૂપીયા દરરોજ લઇ જતો હતો.
બાદ વર્ષ ૨૦૧૯ માં ફરીવાર મારે હોસ્પીટલના કામ સબબ નાણાંની જરૂરીયાત ઉભી થતાં પૃથ્વીરાજસિંહ બોરીચા પાસેથી રૂ.૨૦ હજાર માસીક ૧૦ % ટકાના દરે વ્યાજે લીધેલ હતા. બાદ મારે હોસ્પીટશના ખર્ચ સતત ચાલુ હોય જેથી મારાથી વ્યાજના રૂપીયા ચૂકવી શકાયા ન હતા. જેથી પૃથ્વીરાજસિંહ ફોન અને વોટ્સઅપ મારફ્તે વ્યાજની ઉઘરાણી કરી ગાળો આપી ખૂનની ધમકી આપતો હતો. તેણે પણ મારી પાસેથી મારા બેંક એકાઉન્ટનો ચેક સહી કરાવી પડાવી લીધો હતો. તેણે મારી પાસેથી આશરે 25-30 હજાર વ્યાજ પેટે વસુલ્યા હતા.
બાદ દોઢેક વર્ષ પહેલા મારે રૂપીયાની જરૂરીયાત પડતા ભનેશભાઈ ધામેચા પાસેથી રૂ.૮ હજાર માસીક ૧૦% વ્યાજે લીધેલ હતા. બાદ મે તેને એક માસનુ રૂ.૨,૦૦૦ વ્યાજ આપેલ હતુ. બાદ મારાથી વ્યાજના રૂપિયાની વ્યવસ્થા નહિ થતાં તે પણ મને ફોન અને વોટ્સઅપ કોલ કરી વ્યાજની ઉઘરાણી કરી ખૂનની ધમકી આપતો હતો. બાદ મારી પાસેથી બળજબરીપૂર્વક ટી.વી.એસ. કંપનીનુ જ્યુપીટર મોટર સાઇકલ જેના રજી.નંબર જીજે-03-એમએન-4957 નો વેચાણ કરાર કરાવી વાહન પડાવી લીધું હતું. તેણે મારી પાસેથી રૂ. 20 હજાર વ્યાજ પેટે વસુલ્યા હતા.
બાદ આશરે એકાદ વર્ષ પહેલા મારે હોસ્પીટલના કામ સબબ રૂપીયાની જરૂરીયાત હોય જેથી મે વનરાજભાઈ સીસોદીયા પાસેથી રૂ.9 હજાર 10% વ્યાજે લીધેલ હતા. અને જામીનગીરી પેટે એક્ટીવા મોટર સાઇકલ જેના રજી. નંબર જીજે-03-એમએફ-4401 તથા હોન્ડા સાઈન મોટર સાઈકલ જેના ૨જી. નંબર જીજે-03-એલઈ-2245 એમ બન્ને મોટર સાઈકલની આર.સી. બુક લઇ લીધેલ હતી. બાદ માસીક રૂ. ૮ હજાર હું વનરાજભાઈને વ્યાજ ચુકવતો હતો. બાદ બે મહિના પહેલા મારી પાસે વ્યાજના રૂપીયા ન હોય જેથી વનરાજભાઈ મારી પાસે આવેલ અને મને જેમફાવે ટેન ગાળો આપી જો તુ મારા વ્યાજના રૂપીયા નહીં આપે તો હું તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી અને મારૂ હીરો કંપનીનુ સ્પેલેન્ડર પ્લસ મોટર સાઈકલ જેના રજી. નંબર જીજે-03-એલએન-7720 નો વેચાણ કરાર કરાવી પડાવી લીધું હતું અને સાથોસાથ મારા બેંક એકાઉન્ટના ચેકમાં રૂ. 30 હજારની રકમ ભરાવી પડાવી લીધેલ હતો. તેણે મારી પાસેથી રૂ. 1.20 લાખની રકમ વ્યાજ પેટે ઉઘરાવી હતી.
બાદ ત્રણેક માસ પહેલા મારે રૂપીયાની જરૂરીયાત પડતા ઉમેશભાઈ આશરા પાસેથી રૂ.૪૦ હજાર માસીક ૧૫% વ્યાજે લીધેલ હતા. જે રૂપીયા ઉમેશભાઈ આશરાએ હુસેનભાઈ જીકરભાઈ તેરવાડીયાના બેંક એકાઉન્ટમાંથી મારા એ.યુ.સ્મોલ ફાઈનાન્સમાં બેંક એકાઉન્ટમાં નાખેલ હતા. બાદ ઉમેશભાઈ તથા હુસેનભાઈ મારી પાસે વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરી મને ગાળો આપી ખૂનની ધમકી આપી હતી. બાદ મારા નાગરિક બેંક એકાઉન્ટનો કોરો ચેક પણ પડાવી લીધેલ હતો. ત્યારબાદ પણ તેઓ મને ધમકી આપતાં હોય મે મારા એ.યુ. સ્મોલ ફાઇનાન્સમાં બેંક એકાઉન્ટમાંથી ગઇ તા. ૨૪/૦૮/૨૦૨૫ ના રોજ રૂ.૨ હજાર, પિતાના ઇન્ડીયન ઓવરસીસ બેંક એકાઉન્ટમાંથી ગઈ તા.૨૨/૦૮/૨૦૨૫ ના રોજ રૂ.૫ હજાર, તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ રૂ. ૫૦૦ વ્યાજ પેટે ચુકવેલ હતા. ઉપરાંત રૂ.30 હજાર વ્યાજ પેટે રોકડ ચુકવેલ હતી.
બનાવને પગલે જેતપુર સીટી પોલીસની ટીમે ગુનો નોંધી વ્યાજખોર કમલેશગીરી મોરારીગીરી ગોસ્વામી, વનરાજ હરસુખભાઈ સીસોદીયા અને હુશેન જીકર તેરવાડીયાની ધરપકડ કરી હતી જયારે અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી હતી.