Surendaranagar,તા.18
ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે પર રિક્ષા અને માલવાહક વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સાત વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. ધ્રાંગધ્રા તળાવ શેરી ખાતે રહેતા યોગેશભાઈ ગણપતભાઇ પીઠવા પોતાના પરિવાર સાથે સુરેન્દ્રનગર ખરીદી કરી રિક્ષામાં ઘર તરફ પરત આવી રહ્યા હતા.
તે દરમિયાન ખાંભડા ગામ પાસે રોડ પર ટ્રેક્ટર પડેલું હોવાથી રિક્ષા ચાલકે ટ્રેક્ટરની સાઈડમાંથી રિક્ષા કાઢવા જતા સામેથી આવતા માલવાહક વાહન સાથે અકસ્માત થતા પરિવાર રિક્ષા સાથે હવામાં ફંગોળાઈ રોડ પર પડયા હતા.
જેમાં યોગેશભાઈ અને તેમના પત્નીને સામાન્ય ઇજાઓ પામી હતી. પરંતુ બંને દીકરીઓમાં મોટી 11 વર્ષની દીકરી જૈનિષાબેનને હાથે અને પગના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જ્યારે સાત વર્ષની દીકરી હેત્વીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે આ અંગે ભોગ બનનાર પરિવારજને અકસ્માત સર્જનાર માલવાહક વાહન ચાલક સહિત રોડ પર પડેલ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.