New Delhi તા.30
દિલ્હી ભાજપના પ્રથમ અધ્યક્ષ, પુર્વ સાંસદ અને પક્ષના પીઢ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું આજે એઈમ્સ ખાતે નિધન થતા ભાજપમાં શોક વ્યાપી ગયો છે. 94 વર્ષના શ્રી મલ્હોત્રા લાંબા સમયથી અસ્વસ્થ રહેતા હતા અને તેમને દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ખાતે સારવાર માટે દાખલ કરાયા પરંતુ તે કારગર નીવડી ન હતી.
શ્રી મલ્હોત્રાના નિધનના ખબર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના વરિષ્ઠ નેતાઓ સ્વ.મલ્હોત્રાના નિવાસે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. પ્રો.વિજય મલ્હોત્રા લાહોરના વતની હતા અને ભાગલા બાદ તેઓ ભારતમાં આવીને દિલ્હીમાં વસ્યા હતા તેમજ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા હતા.
બાદમાં તેઓ પહેલાના જનસંઘ અને હવેના ભારતીય જનતા પક્ષમાં લાંબો સમય કામ કર્યું હતું. દિલ્હીમાં ભાજપના સ્થાપક જેવી ભૂમિકા તેઓએ ભજવી હતી. એટલું જ નહી પક્ષના વરિષ્ઠ નેતા તરીકે પણ તેઓએ પોતાનું સ્થાન બનાવ્યુ હતું. તેઓ પોતાની લાંબી રાજકીય કારકિર્દીમાં પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય બન્યા.
સૌથી મહત્વપૂર્ણ રીતે 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓએ પુર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહનસિંઘને પણ પરાજીત કર્યા હતા. તેઓ 2004માં દિલ્હીમાંથી જીતનાર એકમાત્ર ભાજપના સાંસદ બન્યા હતા.
દિલ્હી વિધાનસભામાં પણ તેઓ વિપક્ષના નેતા તરીકે લાંબો સમય કામ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું કે જીવન પર્યંત જનસેવામાં સમર્પિત ભાજપના વરિષ્ઠ નેતા વી.કે.મલ્હોત્રાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરુ છું. શ્રી મોદી તેમના નિવાસે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.