કેસની ટ્રાયલ ‘ડે ટુ ડે’ ચલાવવાની માંગની અરજીની સુનાવણી તા.12 મી જુનના રોજ
Rajkot,તા.27
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના અતિ ગંભીર ગુનામાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ સેશન્સ કમિટ થયા પછી પણ કેટલાક આરોપીઓ દ્વારા કેસ વિલંબમાં કરવામાં આવતો હોવા બાબતે વિકટીમના વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ ‘ડે ટુ ડે’ ચલાવવા અરજી દાખલ કરી છે. જે અરજી પર આગામી 12 મી જુનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટ ચકચારી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ નિપજ્યાની ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે આરોપીઓ દ્વારા કેસને વિલંબમાં નાખવામાં આવી રહ્યો હોય તેમ અગાઉ કેટલાક વકીલ દ્વારા વકીલ નહિ રોકી કેસમાં વિલંબ નાખવામાં આવ્યો હતો. બાદમાં ફરી પાંચ આરોપીઓ દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી છે. જે ડિસ્ચાર્જ અરજીમાં પણ આરોપીઓના વકીલ મુદત છેલ્લી ત્રણ મુદતથી હાજર રહેતા નહિ હોવાથી મુદત પડી રહી છે. ત્યારે અગ્નિકાંડ કેસ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અને વિકટીમ વતી રોકાયેલા એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લેખિત રજુઆત કરી કેસની ટ્રાયલ ‘ડે ટુ ડે’ ચલાવવા અરજી દાખલ કરી છે. જે અરજી પર આગામી 12 મી જુનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
સાગઠીયા અને ઠેબા સામેના અપ્રમાણસર મિલકતના કેસની છઠ્ઠી જૂને સુનાવણીઅગ્નિકાંડમાં સંડોવાયેલા ટીપીઓ મનસુખ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવતા બંને અધિકારી સામે અપ્રમાણસર મિલકતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસ આગામી 6 જુનના રોજ સુનાવણી થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.