Junagadh,તા.૨૪
ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની ઋતુ દરમિયાન દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં દીપડાના આંટાફેરાથી હાહાકાર મચ્યો છે. થોડા દિવસ પહેલા વંથલીના ટીકર ગામે એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે. રાત્રિના તો ઠીક, પરંતુ દીપડો દિવસ દરમિયાન આવી ચડે છે. આ વિસ્તારમાં એક બે નહીં પરંતુ છ થી સાત જેટલા દીપડાઓ વસવાટ કરતા હોવાનો સ્થાનિક લોકોનો દાવો છે. ના છૂટકે ખેડૂતોને રાત્રિના સમયે પોતાની ખેતીની રખેવાળી કરવા અન્ય ખેડૂતોનો સહારો લેવો પડે છે. હાથમાં લાકડી અને ટોર્ચ સાથે ખેડૂતો વાડીએ જવા મજબૂર બન્યા છે. એક બાજુ ખેડૂતો પોતાના કિંમતી મોલને ભૂંડ, રોજ સહિતના વન્યપ્રાણીથી બચાવવા વાડીમાં રાત દિવસ રહેતા હોય છે, પરંતુ દીપડાના આતંકથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા માંગ ઉઠી છે.
વંથલીના ટીકર ગામે દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે, જેને લઈને વન વિભાગે પેટ્રોલિંગ વધાર્યું છે અને દીપડાને પકડવા પાંજરું મૂક્યું છે. વન વિભાગના એસીએફ શાહિદ ખાન મકરાણી સહિતના અધિકારીઓ પણ રાત્રિના સમયે વાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. વન્યપ્રાણી દીપડાને ટ્રેપ કરવું એ થોડુંક ડિફિકલ્ટ કામ હોય છે. દીપડો સહેલાઈથી પકડાતો નથી, જેને લઈ વહેલી તકે દીપડો પાંજરે પુરાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે રાત્રી દરમિયાન ખેડૂતોએ કલરવાળા, દૂરથી દેખાય તેવા કપડાં પહેરવાનું રાખવું જોઈએ તેમજ વાડી વિસ્તારમાં જવા સમયે એકલદોકલ નહીં પરંતુ ચાર પાંચ લોકોનું ગ્રુપ બનાવીને વાતો કરતું જવું જોઈએ જેથી વન્ય પ્રાણી લોકોથી દૂર રહે.
આમ દીપડાની અવરજવરથી વન વિભાગ એલર્ટ બન્યું છે. રાત દિવસ એક કરીને દીપડાને પકડવામાં વન વિભાગની ટીમો છેલ્લા ચાર દિવસથી પ્રયાસો કરી રહી છે, પરંતુ દીપડો જાણે વન વિભાગની કામગીરી તપાસતો હોય તેમ લાગી રહ્યું છે.

