Ahmedabad,તા.૨૬
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવા અને લોકોના આરોગ્યમાં ગુણાત્મક સુધારો કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં ‘મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના’ માટે રૂ. ૬૫૦.૦૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના દ્વારા હવે ગામડાઓમાં પણ શહેરની જેમ ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉઘરાવવાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.
આ યોજના હેઠળ ગ્રામ પંચાયતો દ્વારા ખાસ એજન્સીઓની નિમણૂક કરવામાં આવશે, જે ગામમાં સ્વચ્છતા જાળવવાની મહત્વની જવાબદારી સંભાળશે. આ એજન્સીઓ દ્વારા દરેક ઘરેથી નિયમિતપણે કચરો એકત્રિત કરવામાં આવશે અને ગામની જાહેર જગ્યાઓની પણ યોગ્ય સફાઈ કરવામાં આવશે. આ રીતે એકત્રિત થયેલા તમામ કચરાને એજન્સી દ્વારા સુરક્ષિત રીતે નક્કી કરેલી ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ગામડાઓમાં પણ શહેર જેવી સુવ્યવસ્થિત કચરા નિકાલની પદ્ધતિ અમલી બની શકે.
યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, તાલુકા સ્તરે નક્કી થયેલી એજન્સીઓ ગામડાઓમાંથી ભેગો થયેલો કચરો એકત્ર કરી નજીકની નગરપાલિકા કે મહાનગરપાલિકાના પ્રોસેસિંગ યુનિટ સુધી પહોંચાડશે. આનાથી ગામડામાં કચરાના ઢગલા થવાની સમસ્યા દૂર થશે અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ શક્ય બનશે.
હાલમાં આ યોજના રાજ્યના ૧૨ જિલ્લાના ૨૧ તાલુકાના ૬૬૭ ગામોમાં સફળતાપૂર્વક કાર્યરત છે. આ ઉપરાંત, અર્બન ઓથોરીટી જેમ કે ઇેંડ્ઢછ, ય્ેંડ્ઢછ અને ફેંડ્ઢછ વિસ્તારના ગામોમાં પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. હવે નવી બજેટ જોગવાઈ સાથે તેનો વ્યાપ વધારવામાં આવશે.
રૂ. ૬૫૦ કરોડની આ જોગવાઈથી માત્ર સફાઈ જ નહીં, પરંતુ ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત ખરીદવામાં આવેલા વાહનો અને અસ્ક્યામતોની મરામત પણ કરવામાં આવશે. જેનાથી સફાઈના સાધનો લાંબા સમય સુધી કાર્યરત રહેશે અને ગ્રામીણ જનતાને સતત સુવિધા મળતી રહેશે.

