Vinchiya, તા.16
વિંછીયાના શિવાજીપરામાં રહેતા યુવકે આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી લેતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના શિવાજી પરામાં રહેતા મુકેશભાઈ મનુભાઈ પાટડીયા (ઉ.વ.35) નામનો યુવક ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી લેતા તાકિદે તેઓને જસદણ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા યુવકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે વધુ જાણવા મળ્યું હતું કે, મુકેશભાઇ બે બહેન અને ત્રણ ભાઈમાં મોટાં હિવાનું અને ભંગારનો ધંધો કરતા હતાં.યુવકે આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.