Vinchiya. તા.18
વિંછીયાના દડલી ગામમાં વાડીના પડામાં ચાલવા બાબતે દંપતી પર સગા ભાઈ અને તેના પરીવારે હિંચકારો હુમલો કરતાં દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. બનાવ અંગે વિંછીયા પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે વિંછીયાના દડલી ગામે રહેતાં ગૌરીબેન છગનભાઈ હાંડા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દામજી ભૂરા હાંડા, શૈલેષ દામજી હાંડા, વિનુબેન દામજી હાંડા અને મનીષાબેન શૈલેષ હાંડા (રહે. દડલી, વિંછીયા) નું નામ આપતાં વિંછીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે દીકરા જેમાં મોટો ભરત અને નાનો દિકરો મુન્નાભાઈ છે. ગઈકાલે બપોરના બે વાગ્યાની આસપાસ તેણી તેના પતિ છગનભાઈ અને બંન્ને દિકરા સાથે વાડીના પડામાં કામ કરતાં હતાં.
ત્યારે તેણીના જેઠ દામજીભાઈ તેઓની વાડીમાં કેડી કરીન ચાલતા હોય જેથી તેણીના પતિએ વાડીના પડામાં ચાલવાની ના પાડેલ જેથી દામજીભાઈ તથા તેમના દિકરાએ કહેલ કે, હાલવાનુ તો ત્યા જ થાય છે, તારે થાય તે કરી લેજે તેમ કહેલ હતું.
દરમિયાન બપોરના સમયે વાડીમાં કામ કરતાં હતા ત્યારે તેઓના સેઢે જ રહેતાં જેઠ દામજીભાઈ તથા તેમનો દિકરો શૈલેશ સહિતના શખ્સો વાડીના શેઢેથી ગાળો આપતા હોય અને આરોપીઓ લાકડી અને પાવડો લઈ ઘસી આવેલ અને દામજીએ લાકડીનો એક ઘા માથામાં ઝીંકતા તેણી નીચે પટકાયા હતા. દરમિયાન તેણીના પતિ દોડી આવતાં તેમને પણ શૈલેષે પોતાના હાથમાં રહેલ પવડાનો એક ઘા ઝીંકી દિધો હતો. તેમજ દામજીના પત્ની વિનુબેન અને શૈલેશના પત્ની મનીષાબેન છુટ્ટા પત્થર ઘા કરતા હતા. બાદમાં ઘટના સ્થળે લોકો દોડી આવતાં આરોપીઓ ભાગી છૂટ્યા હતાં. બનાવમાં ઘવાયેલા દંપતીને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.