Rajkot,તા.27
શહેરના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલને કલેકટર તંત્ર દ્વારા વર્ષો પૂર્વે શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલ જમીનનો ફુડ ઝોન, બોકસ ક્રિકેટ સહિતના માટે કોમર્શીયલ ઉપયોગ થઈ રહ્યાનું ખુલતા રેવન્યુ તંત્રએ એકશન મોડમાં આવી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પ્રકરણમાં પશ્ચિમ મામલતદારને તપાસના આદેશ અપાયા બાદ પશ્ચિમ મામલતદાર દ્વારા વિરાણી હાઈસ્કૂલની જમીનમાં શરતભંગ થતો હોવાનો સીટી પ્રાંત-1 અધિકારીને રીપોર્ટ મોકલવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ હવે સીટી પ્રાંત-1 અધિકારી દ્વારા આ અંગેનો રીપોર્ટ હવે જીલ્લા કલેકટર પ્રભવ જોશીને સોંપવામાં આવનાર હોવાની વિગતો મળી રહી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિરાણી હાઈસ્કૂલની કરોડોની આ જમીનના મામલે સીટી પ્રાંત-1 અધિકારી ડો. ચાંદની પરમાર દ્વારા આ સંસ્થાના ટ્રસ્ટીઓને લપડાક આપતો ચૂકાદો આપ્યો હતો. જેમાં આ સંસ્થાની કરોડો રૂપિયાની કિંમતની જમીનનું વેચાણ સરકારની મંજૂરી વગર વેચાણ નહીં કરવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો.
તેની સાથોસાથ આ જમીન ભાડે આપવા પર કે તેના પર ભાડે આપી નફો મેળવવા પર પ્રતિબંધ પણ ફરમાવી દેવામાં આવેલ હતો. સીટી પ્રાંત-1 અધિકારીના આ હુકમથી નારાજ પક્ષકારોને આ સમયે 60 દિવસમાં કલેકટર સમક્ષ રીવીઝન અરજી કરી શકાશે તેમ પણ આ સમયે જણાવવામાં આવેલ હતું.
આ દરમ્યાન વિરાણી હાઈસ્કૂલની આ જમીનનો ફુડ ઝોન, બોકસ ક્રિકેટ સહિતના ધંધા રોજગાર માટે કોમર્શીયલ ઉપયોગ થતો હોવાનું સામે આવતા અને પશ્ચિમ મામલતદાર દ્વારા આ અંગે રીપોર્ટ કરાતા હવે સીટી પ્રાંત-1 અધિકારી દ્વારા આગામી બે દિવસમાં જ આ અંગે કલેકટરને રીપોર્ટ સુપ્રત કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
જીલ્લા કલેકટર તંત્ર દ્વારા રેવન્યુ સર્વે નં.427ની 49720 ચો.વાર જમીન વિરાણી હાઈસ્કૂલને ફાળવવામાં આવી હતી. આ સમયે એવી શરત મુકવામાં આવી હતી કે આ જમીનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે આ જમીન ભાડે આપી નફો મેળવી શકાશે નહીં. આ જમીન દુર્લભજી શામજી વિરાણી ટ્રસ્ટને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ ફાળવવામાં આવી હતી.
પરંતુ આ જમીનનો હવે કોમર્શીયલ ઉપયોગ થઈ રહ્યાનું સામે આવતા કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થવા પામી છે જેમાં પશ્ચિમ મામલતદાર દ્વારા આ જમીનમાં શરતભંગ થયાનો રીપોર્ટ પણ પ્રાંત-1 અધિકારીને મોકલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.