Manipur,તા.15
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણીપુર યાત્રાથી આ રાજયને હિંસામાં રાહત મળશે તેવી આશા વચ્ચે ગઈકાલે ફરી એક વખત રાજયમાં સલામતીદળ અને ટોળા વચ્ચે અથડામણ થતા જ નવી વધારે હિંસા ભડકવાનો ભય સર્જાયો છે. શ્રી મોદીના આગમન પુર્વે તેઓ જે ચુરૂચાંદપુર ક્ષેત્રની મુલાકાત લેનાર હતા તે ક્ષેત્રમાં મોટાપાયે વડાપ્રધાનને આવકારતા બેનર અને કટઆઉટ મુકાયા હતા.
વડાપ્રધાનની વિદાય બાદ અહી સ્થાનિક લોકોએ આ બેનર-કટઆઉટ તોડવાનો પ્રારંભ કર્યો હતો. અનેક સ્થળોએ આગ પણ ચાંપી હતી. સુરક્ષાદળોએ આ સંબંધોમાં બે યુવકોની ધરપકડ કરતા તેના બચાવમાં ટોળું રસ્તા પર ઉતર્યુ હતું અને સ્થાનિક પોલીસ સ્ટેશને ધસી ગયું હતું તથા કસ્ટડીમાં લેવાયેલા બન્ને યુવકોની મુક્તિની માંગ સાથે ઘેરાવ પણ કર્યો હતો. જો કે બાદમાં સીનીયર અધિકારીઓની દરમ્યાનગીરીથી મામલો થાળે પડયો હતો.
આ અગાઉ મોદીએ ચુરાચાંદપુર સહિતના હિંસાગ્રસ્ત ક્ષેત્રના શરણાર્થી કેમ્પની મુલાકાત લીધી હતી. જો કે મોદીની આ મુલાકાત બાદ તેના ફોલોઅપમાં શું પગલા લેવાય છે તેના પર સૌની નજર છે.
ખાસ કરીને મૈતેઈ-કુકી સમુદાય વચ્ચે જે અંતર છે તે મુદે કેન્દ્ર કેવું વલણ અપનાવે છે તે રાજયમાં શાંતિ માટે કારણ બની શકે છે. કુકી- જો કાઉન્સીલ જે સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તેણે વિકાસ પેકેજથી તેઓ ખરીદાશે નહી તે સ્પષ્ટ જાહેર કર્યુ છે.
વડાપ્રધાને રૂા.3700 કરોડના પેકેજની જાહેરાત કરી તેમાં ચુરાચાંદપુરને ફકત રૂા.23 કરોડ જ મળ્યા છે અને કાંગપોકસી અને ફેરનીવલ જે કુકી ક્ષેત્રના છે. તેઓને કોઈ પેકેજ મળ્યું નથી.
ખાસ કરીને કુકી સમુદાય તેના ક્ષેત્રને મણીપુરથી અલગ કેન્દ્ર શાસનના પ્રદેશ તરીકે જાહેર કરવા માંગણી કરી છે. શ્રી મોદીના આગમન અને વિદાય પછી પણ કોઈ ફર્ક પડયો નથી. 2023થી અહી કુકી-મૈઈતી સમુદાય વચ્ચે હિંસા છે પણ વડાપ્રધાને કોઈ નકકર જાહેરાત કરી નથી કે સ્થાનિક અગ્રણીઓને પણ અલગથી મળ્યા નથી.