Amreli, તા.17
અમરેલી શહેર તથા આજુબાજુનાં વિસ્તારમાં વન્યપ્રાણીઓ જેવાં કે, સિંહ દીપડા જેવાં પશુઓ છાશવારે દેખા દેતાં હોય છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે અમરેલી તાલુકાના વડેરા ગામમાં એક વન્ય પ્રાણીએ પશુપાલકના વાડામાં ખાબકી અને ત્યાં રહેલાં ઘેટાં ઉપર હુમલો કરતાં 10 ઘેટાંના મોત થયા હતાં.જેના કારણે આ માલધારી પરિવારને આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાંનું પશુપાલકે જણાવ્યું હતું.
આ બનાવમાં જાણવાં મળતી વિગત મુજબ અમરેલી તાલુકાનાં વડેરા ગામે રહેતાં અને પશુપાલકનો વ્યવસાય કરતાં ભાવેશભાઈ સુરાભાઈનામનાં માલધારીના વાડામાં કોઈ સિંહ અથવા તો દીપડા જેવાં વન્ય પ્રાણીએ લગભગ રાત્રે 10 વાગ્યાની આંતક મચાવી દઈ વાડામાં રહેલાં બે ઘેટાંનું મારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 8 ઘેટાંઓ વન્ય પશુના ભય અને ગભરાટને કારણે જીવ ગુમાવી બેઠા હતા.
આ બનાવ અંગે વડેરા ગામનાં સરપંચ ભરતભાઈ હપાણીએ વનવિભાગને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને તપાસ હાથ ધરી હતી. વનવિભાગને દીપડો હોવાની આશંકા છે અને તેના સગડના આધારે લોકેશન મેળવવા માટે કાર્યવાહી ચાલી રહી છે.
અમરેલી જિલ્લાના રેવન્યુ અને ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો અને દીપડા દ્વારા પશુઓના મારણની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે.
આ બનાવ અંગે પશુપાલક ભાવેશભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે 10 વાગ્યે એક વન્ય પ્રાણી આવ્યું હતું. જેણે બચ્ચા અને મોટા ઘેટાંને મારી નાખી અને આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે. વનવિભાગ સહાય આપી મદદ કરે તેવી અમારી અપેક્ષા છે.

