New Delhi,તા.18
ગુજરાત સહિતના રાજયોમાં ચોમાસુ ધીમુ પડયુ છે પરંતુ ઉતરભારતના રાજયોમાં કહેર વરસાવી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે ગંગા સહિતની નદીઓ ગાંડીતૂર બની છે. વારાણસી સહિતના શહેરોમાં તેના જળસ્તર ખતરનાક સ્તરને વટાવીને ગામડાઓમાં ઘુસતા આફતની હાલત સર્જાઈ છે.
ઉતરભારતના પંજાબ, ઉતરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ તથા ઝારખંડ સહિતના રાજયોમાં ભારે વરસાદથી ગંગા સહિતની નદીઓ ગાંડીતૂર થઈ છે. ઉતરપ્રદેશના પ્રયાગરાજ તથા વારાણસીમાં નદીઓના જળસ્તર વધતા સંખ્યાબંધ ઘાટો પણ પાણીમાં ડુબી ગયા છે.
બિહારમાં પટણા સહિતના 20 જીલ્લામાં ગંગા તથા અન્ય નદીઓમાં પુર પરીસ્થિતિ સર્જાઈ છે. નદીઓના પાણી ગામડાઓમાં ઘુસીને મકાનો તથા ગામડાઓમાં ઘુસ્યા છે.
ઝારખંડ-બિહાર સિવાય અન્ય કેટલાંક રાજયોમાં પણ રેડ-ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે. આ સિવાય રાજસ્થાનમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
કેરળમાં એકધારા ભારે વરસાદથી કોઝીકોડમાં ભૂસ્ખલન થયુ હતું. વરસાદી-નદીઓના પાણી મકાનોમાં ઘુસી ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં બે દિવસના સતત વરસાદથી ધોવાણ પામેલા અમરનાથ યાત્રા માર્ગમાં તાબડતોડ સમારકામ કરાયુ હતુ. ઉતરાખંડમાં વરસાદનો સિલસિલો જારી હતો.