Bangladesh,તા.25
પાકિસ્તાન અને બાંગ્લાદેશે એકબીજા સાથેના સંબંધો સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને દેશોએ તેમના રાજદ્વારી અને સરકારી પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી યાત્રાની સુવિધા આપવા માટે સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી દીધી છે. એટલે કે હવે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને ISI (પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી)ના લોકો વિઝા વગર બાંગ્લાદેશ જઈ શકશે. આ મામલે ભારત સતર્ક થઈ ગયું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વિઝા ફ્રી પ્રવેશને લઈને ભારતની સુરક્ષા ચિંતાઓ વધી છે. ભારતીય અધિકારીઓને ડર છે કે આનાથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓની ગતિવિધિઓ સરળ થઈ શકે છે. તેમજ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન પછી, ત્યાંની નવી વચગાળાની સરકારના નેતૃત્વમાં પાકિસ્તાન સાથેના સંબંધોમાં ઝડપથી સુધારો થયો છે. અગાઉ શેખ હસીનાના શાસન દરમિયાન, બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે અંતર જાળવી રાખ્યું હતું અને પાકિસ્તાની રાજદ્વારીઓને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. હવે વિઝા નિયમોમાં છૂટછાટ અને દ્વિપક્ષીય સહયોગમાં વધારો થવાથી, ભારતને લાગે છે કે આનાથી પ્રદેશમાં અસ્થિરતા વધી શકે છે. ખાસ કરીને જે જૂથો ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે તેમને પ્રોત્સાહન મળી શકે છે.
બંને દેશો વચ્ચે આ નિર્ણય પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અને બાંગ્લાદેશના ગૃહમંત્રી જહાંગીર આલમ ચૌધરી વચ્ચે ઢાકામાં થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશો રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી પ્રવેશ માટે સંમત થયા છે.જોકે, વિઝા-મુક્ત સિસ્ટમ શરૂ થવાની કોઈ તારીખ આપવામાં આવી નથી.