ધારીના મોણવેલ ગામે ચાર સંતાનના પિતા મૈત્રી કરાર કરતા સમાધાન માટેની બેઠક બોલાવ્યા બાદ યુવકના પિતાનું કરાયું’તું અપહરણ
Visavdar,તા.૫
ધારી તાલુકાના મોણવેલ ગામે રહેતા ચાર સંતાન પિતા મુકેશ વાઘેલાએ પાણીયા ગામની યુવતી સાથે મૈત્રી કરાર કરતા યુવતીના પરિજનોએ સમાધાન માટે વિસાવદરના નાણી પીંડાખાઈ ગામે બેઠક બોલાવ્યા બાદ યુવકના પિતા વલકુભાઈ વાઘેલાનું અપહરણ કરી લેતા વિસાવદર પોલીસે ગણતરીની કલાકોમાં અપહ્યતને મુક્ત કરાવી ત્રણ અપહરણકર્તાઓની ધરપકડ કરી છે જયારે ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વિસાવદર પોલીસ મથકમાં મુકેશભાઇ વલકુભાઇ વાઘેલા નામના 28 વર્ષીય યુવકે ગત તા. 3 ઓગસ્ટના નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પોતે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામે રહે છે. તેઓ પત્ની બીના તથા ત્રણ પુત્રો અને એક પુત્રી સાથે રહે છે તથા યુવકે પાણીયા ગામના રમેશભાઈ હરિભાઈ ચારોલિયાની દીકરી સાથે આઠેક માસ પહેલા મૈત્રી કરાર કર્યા હોય આ યુવતી પણ તેમની સાથે જ રહે છે.
ગત તા. 2 ઓગસ્ટના રોજ વિસાવદરના નાની પીંડાખાઈ મુકામે ભદાભાઈ ડાયાભાઈ વાઘેલાના ઘરે મૈત્રી કરાર બાબતે યુવતીના પિતા રમેશભાઈ હરીભાઈ ચારોલીયા તથા અમારા સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન બાબતે બેઠક હતી. જ્યાં યુવક તેના પિતા વલકુભાઈ, ભાઈ લાલજી, ફુવા કવાભાઈ અને તેનો દીકરો સુરેશભાઈ અને મૈત્રી કરારમાં રહેતી સાથે પહોંચ્યો હતો. સમાધાનની વાત ચાલુ હતી ત્યાં યુવતીના પિતા રમેશભાઈ એકાએક ઉશ્કેરાઇ જઈ યુવકના પિતા વલકુભાઈ સાથે બોલાચાલી કરવા લાગેલ તેવામા નાની પીંડાખાઇના વલકુભાઈ ડાયાભાઈ વચ્ચે પડી રમેશભાઈને શાંત કરાવેલ હતા. અમરેલીવાળા છગન માથાસુરીયા તથા મગન માથાસુરીયા આ બન્ને ભાઇઓએ યુવકના પિતાને જણાવ્યું હતું કે, તમે આજની રાત અહીં નાની પીંડાખાઇ ભદાભાઈ વાઘેલાના ઘરે રોકાઈ જાવ અને કાલે સવારે આપણે ફરી સમાધાનની વાતચીત કરીશું. જેથી યુવક અન્ય લોકો સાથે પોતાના ગામે પરત ફરી ગયો હતો.
બીજા દિવસ સવારના આશરે દશેક વાગ્યે નાની પીંડાખાઇથી પ્રેમજી ભગતનો મારા ફોનમાં ફોન આવેલ કે તુ અને યુવતી અહીં આવતા નહિ, આ લોકો તારા બાપુજીને દબાવવાની કોશીશ કરે છે અને ધમકાવે છે જેથી તું તથા યુવતી ત્યાથી ભાગી જાજો. જેથી બંને મોણવેલથી ભાગી ગયેલ હતા. જે બાદ બપોરના આશરે દોઢ વાગ્યાની આસપાસ પ્રેમજી ભગતનો ફોન આવેલ કે તારા બાપુજી વલકુભાઈને રમેશ હરીભાઈ ચરોલીયા, મનુભાઇ હરીભાઇ ચારોલીયા, છગન માથાસુરીયા તથા મગન માથાસુરીયા, જગદીશ રાજુભાઈ વાઘેલા, અજય રાજુભાઈ વાઘેલા બોલેરો પીક-અપમાં અપહરણ કરી લઈ ગયેલ છે.
જે બાબતની ફરિયાદ નોંધાતા વિસાવદર પોલીસ મથકના સર્વેલન્સ પીએસઆઈ એસ આઈ સુમરાએ ટેક્નિકલ સોર્સ અને બાતમીદારો મારફત માહિતી મેળવી આરોપીઓને અમરેલી જિલ્લાના પાણીયા ગામેથી પકડી પાડી યુવકના પિતાને ગણતરીની કલાકોમાં મુક્ત કરાવ્યા હતા. હાલ પોલીસે મગન હરજીભાઇ પરમાર, રમેશ હરી ચારોલિયા, મનુ હરિભાઈ ચારોલિયાની ધરપકડ કરી છે જયારે છગન હરજીભાઇ પરમાર, જગદીશ રાજુભાઈ વાઘેલા અને અજય રાજુભાઈ વાઘેલાની શોધખોળ શરૂ કરી છે.