સીરામીક કંપનીમાં કામ કરતા શ્રમિકોને ચોટીલા દર્શને જતી વેળાએ રસ્તામાં અકસ્માત નડ્યો : બે યુવાનો સારવારમાં
Wankaner,તા.૨૦
વાંકાનેર બાઉન્ડરી પાસે ટ્રિપલ સવારી બાઇકને ડમ્પરે ઠોકરે લેતા ત્રણેય યુવક ફંગોળાયા હતા જેમાં એકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું અને જયારે અન્ય બે ને સામાન્ય ઇજા થઇ હતી. મોરબીના પાંચવડા સીરામીક કંપનીમાં કામ કરતા ત્રણેય યુવક ચોટીલા દર્શને જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના પાંચવડામાં આવેલી સીરામીક કંપનીમાં મજૂરી કામ કરતો અને મૂળ દાહોદનો શૈલેષ રમેશભાઈ બામણનીયા ગઈકાલે બાઇકમાં બે મિત્રોને બેસાડી ચોટીલા જતો હતો ત્યારે રાત્રીના એક વાગ્યે વાંકાનેર બાઉન્ડરી પાસે પહોંચતા સામેથી આવતા ડમ્પરે બાઇકને ઠોકર મારતા ત્રણેય યુવક રોડ પર પટકાતા ઈજાઓ થઇ હતી. જેમાં શૈલેષને માથાના ભાગે વધુ ઇજા થતા પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવકે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં વચેટ અને અપરણિત હતો અને પાંચવડામાં આવેલી સીરામીક કંપનીમાં પાંચેક વર્ષથી મજૂરી કામ કરી ત્યાં જ રહેતો હતો. ગઈકાલે મિત્રો સાથે ચોટીલા દર્શને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી નાશી જનાર ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.