Mumbai,તા.27
ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સતીશ શાહનું અવસાન થયું છે. તેમણે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. સતીશ લાંબા સમયથી કિડની બીમારીથી પીડાતા હતા. સતીશના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે.
સતીશના નિધનથીઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના નિધનથી દરેક લોકો દુ:ખી છે, ખાસ કરીને જોની લીવર. જોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં સતીશના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સતીશ સાથેનો એક જૂનો ફોટો પણ શેર કર્યો હતો, જેમાં બંને સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે.જોનીએ લખ્યું છે કે, ‘ ખૂબ જ દુ:ખ સાથે હું તમને બધાને જણાવવા માંગુ છું કે, અમે એક શાનદાપ કલાકાર અને માપો જીગરી દોસ્ત સતીશને ગુમાવ્યો છે. છેલ્લા 40 વર્ષથી અમારી સારી મિત્રતા ચાલી રહી હતી. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, સતીશ હવે આ દુનિયામાં નથી. મેં બે દિવસ પહેલા જ તેમની સાથે વાત કરી હતી. સતીશભાઈ આજે તમારી ખોટ વર્તાશે.’ ફિલ્મ અને ટીવીની દુનિયામાં તમારા અદ્ભુત કાર્યને આપણામાંથી કોઈ ભૂલી શકશે નહીં.
સતીશનું 74 વર્ષની વયે અવસાન થયું છે. સતીશ શાહને લોકપ્રિય ટીવી શો ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ થી ઓળખ મળી હતી. તે પછી તેમણે દર્શકોના દિલ જીતી લીધા હતા. સતીશનો જન્મ ગુજરાતના માંડવીમાં થયો હતો. ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યા પછી, સતીશે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કર્યો.

