Iran,તા.30
ઈરાનના સૌથી મોટા શિયા ધર્મગુરુ ગ્રાન્ડ અયાતુલ્લાહ નાસેર મકોરમ શિરાજીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુ સામે એક સખ્ત ફતવો જાહેર કર્યો છે, જેમાં બન્ને નેતાઓને ‘ખુદાના દુશ્મન’ ઠેરવીને દુનિયાભરના મુસલમાનોને એક થઈને તેમનો તખ્તાપલટ (પદભ્રષ્ટ) કરવાની અપીલ કરી છે.
આ ફતવો ઈરાનના ઈસ્લામી શાસન વિરુદ્ધ ધમકીઓના જવાબમાં આવ્યો છે, જેણે હાલમાં જ ઈઝરાયેલ અને અમેરિકા સાથે 12 દિવસની લડાઈ લડી હતી. ઈરાનની મેહર ન્યુઝ એજન્સી અનુસાર અયાતુલ્લાહ મકોરમે કહ્યું હતું કે જે પણ શખ્સ કે પ્રશાસન અમારા ધર્મગુરુને ધમકી દે તેને ‘મોહારેબાહ’ (ખુદા સામે જંગ કરનાર) સમજવામાં આવશે.
ઈરાની કાયદા મુજબ ‘મોહારેહ’ માં મોતની સજા, શુલી, અંગ-ભંગ કે દેશ નિકાલની સજા આપવામાં આવે છે. આ ફતવામાં કહેવામાં આવ્યું છે કે આ ‘દુશ્મનો’ને તેમના નિવેદનો અને ભુલો પર પસ્તાવો કરાવવાનું દરેક મુસલમાનની ફરજ છે. એમાં એ પણ જોડવામાં આવ્યું છે કે કોઈપણ મુસ્લિમ દેશ કે શખ્સનો આ દુશ્મનોને સાથ દેવો હરામ છે. ફતવા મુજબ જો કોઈ મુસલમાન આ કથિત જેહાદમાં મુશ્કેલીનો સામનો કરે છે કે નુકસાન ઉઠાવે છે તો તેન ‘ખુદાના માર્ગે લડનાર’ની જેમ જન્નતમાં ઈનામ મળશે.
આ ફતવો એ 12 દિવસની જંગ બાદ આવ્યો છે, જે 13 જૂનથી શરૂ થઈ હતી, ઈઝરાયેલે ઈરાનમાં બોમ્બ મારો કર્યો હતો, જેમાં ઈરાનના મોટા સૈન્ય કમાન્ડર અને પરમાણુ કાર્યક્રમમાં જોડાયેલા સાયન્ટીસ્ટ માર્યા ગયા હતા. જવાબમાં ઈરાને ઈઝરાયેલી શહેરો પર બેલેસ્ટીક મિસાઈલોથી હુમલો કર્યો હતો.
ફતવો એક ઈસ્લામી કાનૂનની વ્યાખ્યા છે, જે શિયા સમુદાયના સૌથી મોટા ધર્મગુરુ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ બધા મુસલમાનો પછી તે વ્યક્તિ હોય કે ઈસ્લામી શાસન હોય તેના પર લાગુ થાય છે, અને તેને લાગુ કરવી તેની ફરજ માનવામાં આવે છે.
આ પહેલીવાર નથી, જયારે ઈરાની ધર્મગુરુઓએ કોઈ શખ્સ સામે ફતવો જાહેર કર્યો હોય, આ મામલે સૌથી જાણીતો મામલો 1989નો છે, જયારે લેખક સલમાન રશ્દીનું પુસ્તક ‘ધી સેતાનિક વર્સીસ’ને અપમાનજનક બતાવીને તેની વિરુદ્ધ ફતવો જાહેર થયો હતો.
આ ફતવામાં તેમની હત્યાનો આદેશ આપવામાં આવ્યો હતો, જે બાદ રશ્દીએ વર્ષો સુધી છુપાઈને રહેવું પડયું હતું. આ બુકના કારણે બુકના જાપાની અનુવાદકની હત્યા થઈ હતી અને પ્રકાશકો પર અનેક હુમલા થયા હતા. 2023માં ન્યુયોર્કમાં રશ્દી પર ચાકૂથી હુમલો કર્યો હતો, જેમાં તેમની એક આંખ ચાલી ગઈ હતી.