Bihar,તા.09
આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર બનાવીશું તો બિહારના દરેક પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. તેમની આ જાહેરાત બિહારમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કરી છે. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં જે પણ પરિવાર પાસે સરકારી નોકરી નથી તેમને નવા કાયદા દ્વારા નોકરી આપવાનું ફરજિયાત બનાવવામાં આવશે.
સરકાર બનાવ્યાના વીસ દિવસની અંદર એક કાયદો લાગુ કરવામાં આવશે અને વીસ મહિનાની અંદર બિહારમાં એક પણ ઘર સરકારી નોકરી વગરનું રહેશે નહીં. તેજસ્વી યાદવે વધુમાં નીતિશ સરકાર સામે પ્રહાર કરતાં કહ્યું કે આ શક્ય છે. તેના માટે ઇચ્છાશક્તિની જરૂર છે. 20 વર્ષથી રાજ્યમાં જેમની સરકાર છે તેમણે કોઈ ઈચ્છાશક્તિ બતાવી નથી. અમે જે પણ યોજનાઓ જાહેરાત કરી હતી તેઓ ફક્ત તેની કોપી જ કરતા આવ્યા છે. છેલ્લા 20 વર્ષથી લોકો કાયમી ઘર માટે રાહ જોઈ રહ્યા છે. અમે 20 મહિનામાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપીશું. રાજદ નેતા તેજસ્વીએ એનડીએ સામે નિશાન તાકતા કહ્યું કે 20 વર્ષની એનડીએ સરકાર પાકા મકાન, સસ્તું રાશન દરેક લોકો સુધી પહોંચાડી શકી નથી પણ અમારી સરકાર દરેક પરિવારના એક સભ્યને ચોક્કસ સરકારી નોકરી આપશે. નોકરીની અછત આપમેળે ખતમ થઇ જશે. નીતિશ સરકારના શાસનમાં દરેક ઘરમાં બેરોજગારી દેખાય છે અને લોકો પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.