Mumbai તા.12
ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના વાદળો વિખેરાતા અને સિઝફાયર જાહેર થતાં શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુંકાયું હતું અને સેન્સેકસમાં 3000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. તે 82000 ની સપાટીને વટાવી ગયો હતં.
પહેલગામમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન તથા પીઓકેમાં ત્રાસવાદી અડ્ડાઓનો ખાત્મો બોલાવવા ઓપરેશન સિંદુર પાર પાડયુ હતું. પાકિસ્તાને પછી ભારત પર હુમલા શરૂ કરતાં યુદ્ધનો માહોલ સર્જાયો હતો. ત્રણેક દિવસ સામસામી ધણધણાટી બાદ યુદ્ધ વિરામ ઘોષિત થયુ હતું તેને શેરબજારે વધાવ્યુ હોય તેમ આજે જોરદાર ઉછાળો નોંધાયો હતો.
યુદ્ધના વાદળો હટી જતાં હવે ફરી ભારત અર્થતંત્ર પર ફોકસ થશે. ભારત અમેરીકા વચ્ચે ટ્રેડ ડીલ થશે જેવા કારણોથી તેજીનો ફુંફાડો હતો. અમેરિકા-ચીન વચ્ચે પણ ઐતિહાસીક ટ્રેડ ડીલ થઈ જતા તેજીને ટેકો મળી ગયો હતો અને વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી, ચોમાસાનું આગમન વ્હેલુ થવાની આગાહી જેવા કારણોથી તેજીને વેગ મળ્યો હતો.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ભારત-પાક વચ્ચે હવે નવા અણધાર્યા ઘટનાક્રમો ન સર્જાય અને સિઝફાયર આગળ ધપવાના સંજોગોમાં માર્કેટ નવેસરથી તેજીના ઝોનમાં આવી શકે છે. કારણ કે હાલ માર્કેટ માટે તમામ પરિબળો અનુકુળ છે.
શેરબજારમાં આજે બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેઝ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, અદાણી પોર્ટ, એકસીસ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, જીયો ફાઈનાન્સીયલ, ટ્રેન્ટ, વગેરેમાં ઉછાળો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 2910 પોઈન્ટના ઉછાળાથી 82364 સાંપડયો હતો તે ઉંચામાં 82415 તથા નીચામાં 80651 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 906 પોઈન્ટના ઉછાળાથી 24914હતો તે ઉંચામાં 24930 તથા નીચામાં 24378 થયો હતો.
બીએસઈમાં આજે 4224 શેરોમાં ટ્રેડીંગ થયુ હતું. તેમાંથી 3514 માં ઉછાળો હતો 106 શેરો બાવન સપ્તાહની ઉંચાઈએ પહોંચ્યા હતા. 27 માં વર્ષની નીચી સપાટી હતી 456 શેરોમાં તેજીની તથા 182 માં મંદીની સર્કીટ હતી. માર્કેટ કેપ 432.30 લાખ કરોડે પહોંચ્યુ હતું. એક જ દિવસમાં ઈન્વેસ્ટરોની સંપતિમાં 16 લાખ કરોડનો વધારો થયો હતો.
સોનામાં રૂા.3300નો જોરદાર કડાકો
ભારત-પાક સિઝફાયર, અમેરિકા-ચીન ટ્રેડડીલ સહિતના કારણોથી મંદી: ચાંદીમાં રૂા.2000 તૂટયા
સોનામાં રેકોર્ડબ્રેક તેજી બાદ હવે કડાકાધડાકા શરૂ થયા હોય તેમ આજે 10 ગ્રામે 3300 રૂપિયાનુ ગાબડુ પડયુ હતુ. તેજીના કારણે ઘણા અંશે ઉકેલાવા લાગતા માનસ પટકાયુ હતું. ઘરઆંગણે તથા વિશ્વસ્તરે કડાકો સર્જાયો હતો.
રાજકોટમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ ગગડીને 96400 થયો હતો. વિશ્વબજારમાં તે ઘટીને 3227 ડોલર થયુ હતું. ચાંદીમાં રૂા.2000નો કડાકો નોંધાવવા સાથે ભાવ 96800 થયો હતો. વિશ્વબજારમાં 32.17 ડોલરનો ભાવ હતો.
જાણકારોના કહેવા પ્રમાણે અત્યાર સુધી જેના જોરે તેજી થઈ હતી તે કારણો ઉકેલ ભણી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ દુર થવા સાથે સિઝફાયર થયુ છે. આ સિવાય અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડડીલ થઈ જતા ટેરીફ વોરનુ જોખમ પણ દુર થવાનુ માનવામાં આવી રહ્યું છે.
રશિયા-યુક્રેન વચ્ચે પણ યુદ્ધવિરામના પ્રયાસો થવા લાગ્યા છે તે વાસ્તવિક બને તો માર્કેટમાં વધુ અસર શકય છે. ટુંકાગાળા માટે માર્કેટમાં હવે નેગેટીવ સ્થિતિ રહેવાનું માનવામાં આવે છે. વેપારીઓના કહેવા પ્રમાણે ભાવ માર્કેટનો ટ્રેન્ડ સ્પષ્ટ થયા બાદ ખરીદી વધવાનુ મનાય છે. લગ્નગાળાની ખરીદીની ચમક આવી શકે છે.