New Delhi, તા.14
વેસ્ટ ઈન્ડીઝ સામેનાં સળંગ બીજા ટેસ્ટ મેચમાં ભારતે સાત વિકેટે વિજય હાંસલ કરીને પ્રવાસી ટીમનો વ્હાઈટવોશ કર્યો હતો.ભારત 2-0 થી શ્રેણી જીતી હતી. વિન્ડીઝ સામે સળંગ 10 મી શ્રેણી ભારતે જીતી છે.
ટેસ્ટ મેચનાં અંતિમ દિવસે આજે ભારતે 121 રનનો વિજય લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતે આજે એક વિકેટે 63 રનના જુમલેથી દાવ આગળ ધપાવ્યો હતો સાંઈ સુદર્શન 39 તથા ત્યારબાદ શુભમન ગીલ 12 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
એક છેડો સાચવીને ઉભેલા કે.એલ.રાહુલે ભારતને જીતના ટારગેટ સુધી પહોંચાડી દીધુ હતું.ટેસ્ટ કેરીયરની 20 મી અર્ધી સદી ફટકાવા સાથે કે.એલ.રાહુલ 58 રને અણનમ હતો. જેમાં તેણે 6 ચોગ્ગા તથા બે છગ્ગા ફટકાર્યા હતા. સામા છેડે ધ્રુવ જુરેલ 6 રને અણનમ રહ્યો હતો. ભારતે ત્રણ વિકેટે 124 રન બનાવી લીધા હતા.
ભારત પ્રથમ ટેસ્ટ મેચ એક ઈનીંગ અને 140 રનથી જીત્યુ હતું. બીજો ટેસ્ટ સાત વિકેટે જીત્યુ હતું. શ્રેણીના બન્ને ટેસ્ટ જીતીને પ્રવાસી વેસ્ટ ઈન્ડીઝનો વ્હાઈટ વોશ કર્યો હતો.
વેસ્ટ ઈન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકે શુભમનગીલે પ્રથમ જીત મેળવી છે.આ પુર્વે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પણ તે કપ્તાન હતો. પરંતુ તે શ્રેણી 2-2 થી સરભર થઈ હતી.
દિલ્હી ખાતેના બીજા ટેસ્ટમાં કુલદીપ યાદવ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો વિન્ડીઝનાં પ્રથમ દાવમાં તેણે પાંચ અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી. પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે રવિન્દ્ર જાડેજાને જાહેર કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટમાં ભારતે પોતાનો પ્રથમ દાવ પાંચ વિકેટે 518 રન પર ડીકલેર કર્યો હતો. જયસ્વાલ તથા ગીલે સદી ફટકારી હતી. વિન્ડીઝ પ્રથમ દાવમાં માત્ર 248 રન બનાવી શકતા ફોલોઓન થયુ હતું.
જોકે બીજા દાવમાં કેમ્પબેલ તથા હોપની સદીથી 390 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 121 રનનો ટારગેટ મળ્યો હતો જે ભારતે આજે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની આ સળંગ 10 મી શ્રેણી જીત છે.