Wayanad,તા.06
ગયા મંગળવારે એટલે કે 29 જુલાઈની મોડી રાત્રે કેરળના વાયનાડમાં તબાહીનું પૂર આવ્યુ અને ઘણા પરિવારોને ઉજાડી દીધા. આજે આ ઘટનાને 8 દિવસ થઈ ચૂક્યા છે. 180 લોકો હજુ પણ લાપતા છે. એક અઠવાડિયાના રેસ્ક્યુ ઓપરેશનમાં 308 મૃતદેહો બહાર કઢાયા, જેમાં 180 લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. દુર્ઘટના બાદ તમામના મોં પર બસ એક જ સવાલ હતો કે આખરે આની પાછળનું શું કારણ હતું? કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ મુદ્દે મૌન તોડ્યું છે.
પર્યાવરણ મંત્રીએ ગણાવ્યા કારણ
પર્યાવરણ મંત્રીનું કહેવું છે કે ગેરકાયદેસર ખાણકામ, અનિયંત્રિત નિર્માણ અને વધતી કોમર્શિયલ એક્ટિવિટીઝ આ ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. કેન્દ્ર તરફથી ગયા વર્ષે 4 લેન રોડ વાળી સુરંગને લીલી ઝંડી મળી હતી. તે બાદ કેન્દ્ર સરકારે વાયનાડમાં કોઈ પણ પ્રકારના વિકાસ કાર્યને મંજૂરી આપી નથી. આ સુરંગનો હેતુ કોઝિકોડ અને વાયનાડને આંતરિક રીતે જોડવાનો હતો. જોકે આ પ્રોજેક્ટનું કાર્ય હજુ સુધી શરૂ થયું નથી.
અંધાધૂંધ વિકાસ
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર કોઈ પણ પરિયોજનાને મંજૂરી આપવા માટે ટોપોગ્રાફી અને ભૂ-આકૃતિની તપાસ કરવી જરૂરી હોય છે. છેલ્લા 10 વર્ષોથી રાજ્ય સરકારે આ બાબતો પર ધ્યાન આપ્યા વિના વિકાસ કાર્યોને વધાર્યા છે. આ કારણ છે કે ભારે વરસાદમાં બધું જ તબાહ થઈ ગયું અને આ ભયંકર આપત્તિ જોવા મળી.
3 વર્ષમાં 3 ખાણોના ખનન માટે મંજૂરી
પર્યાવરણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષમાં કેરળ સરકારે ત્રણ ખાણોના ખનનને મંજૂરી આપી છે, જેમાં એક ગ્રેનાઈટની ખાણ પણ સામેલ છે. ત્રણ દિવસના મૂશળધાર વરસાદ બાદ 30 જુલાઈએ વાયનાડમાં સતત 2 ભૂસ્ખલન જોવા મળ્યા, જેણે ઘણા લોકોના જીવ લીધા.
કમિટીના રિપોર્ટની અવગણના
કેન્દ્ર સરકાર દ્વારા રચિત ગડગિલ કમિટી અને કસ્તૂરીરંગન કમિટીએ પશ્ચિમી ઘાટના ઘણા વિસ્તારોને સંવેદનશીલ ગણાવ્યા હતા. જોકે કમિટીના સૂચન પણ વિકાસમાં સમાઈ ગયા અને પરિણામ કેરળ લેન્ડસ્લાઈડ તરીકે સૌની સામે છે.