Pune,તા.8
મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકાર ઉંધા માથે હોવા છતા એક પછી એક ચીજો મોંઘી થઈ રહી છે. છેલ્લા એક પખવાડીયામાં ઘઉંના ભાવમાં 8 ટકાની તેજી થઈ છે. ગ્રાહક ભાવાંકમાં સૌથી વધુ વેઈટેજ ધરાવતા ઘઉંના ભાવ વધારાથી ફૂગાવા મોરચે નવો પડકાર ઉભો થઈ શકે છે.
વેપારીઓના કહેવા પ્રમાણે ઘઉંનો જથ્થાબંધ ભાવ કિલોદીઠ રૂા.32 થી 33 થઈ ગયો છે. બે વર્ષ બાદ આટલા ઉંચા ભાવ જોવા મળ્યા છે. ઘઉંની તેજીને રોકવા તથા ભાવોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા ફલોરમીલોને ઘઉંનુ વેચાણ કરવામાં આવી જ રહ્યુ છે.
ફૂડ કોર્પોરેશનને હરરાજીમાં પણ કવીન્ટલનાં 600 રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે. અર્થાત સરકારની હરરાજીમાં પણ મીલો ઉંચા ભાવે ખરીદી કરી રહી છે.
જાણકારોના કહેવા પ્રમાણે ઘઉંના ભાવ સીઝનના સૌથી ઉંચા છે. સરકારના વેચાણમાં પણ રેકોર્ડબ્રેક ભાવે ટેન્ડર જઈ રહ્યા છે. જોકે છેલ્લા સપ્તાહમાં મામુલી ઘટાડો થયો હતો. સરકાર ભાવોને કાબુમાં લેવા માટે ખુલ્લા બજારમાં વેચાણ વધારે તેવી સંભાવના છે. નવા ઘઉંનુ વાવેતર સારૂ છે એટલે ખુલ્લા બજારમાં વધુ વેચાણ થઈ શકે છે.
ઘઉંને પગલે લોટ પણ મોંઘા બન્યા છે. મેંદા-સોજીમાં પણ તેજી થઈ છે. સપ્લાય ઓછી હોવાને કારણે ભાવવધારો છે. વેપારીઓના કહેવા પ્રમાણે સરકાર હાલ દર અઠવાડીયે ખુલ્લા બજારમાં એક લાખ ટન ઘઉંનુ વેચાણ કરે છે. રાજયવાર ફાળવણી કરવામાં આવતી હોય છે.