New Delhi,તા.21
આગામી તા.9ના યોજાનારી ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે આજે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે પુર્વ ન્યાયમૂર્તિ બી.સુદર્શન રેડ્ડીએ પોતાનું ઉમેદવારીપત્રક રજુ કર્યુ હતું જે સમયે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે, પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ઈન્ડિયા ગઠબંધનના અનેક અગ્રણીઓ હાજર હતા.
નામાંકન પહેલા કોંગ્રેસ સંસદીય દળ ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનના પક્ષોના સાંસદોની સંયુક્ત બેઠક મળી હતી. જેમાં શ્રી રેડ્ડીએ કહ્યું હતું કે જયારે સડક ખામોશ થઈ જાય છે ત્યારે સંસદ આવારા બની જાય છે. તેઓએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તે સડકને શાંત થવા દેતા નથી.
આ તકે તેઓએ સ્વર્ગસ્થ ડો.રામમનોહર લોહીયાની પંક્તિ યાદ કરતા સંસદ અને સડકનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે બિહારમાં મતદાર યાદી મુદે પણ જે પ્રશ્ન સર્જાયા છે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે આજે સાર્વભૌમ વયસ્ક મતાધિકાર એક ગંભીર પડકારનો સામનો કરી રહ્યું છે જે આપણા માટે પણ એક ખતરો છે. તેમણે એ પણ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિપદની ચુંટણી કોઈ સ્પર્ધા નથી પરંતુ રાષ્ટ્રના આત્મા માટેની વૈચારિક લડાઈ છે.
જે શાસક પક્ષે આરએસએસની વિચારધારા પસંદ કરી છે જયારે અમે સંવિધાન અને મૂલ્યોને માર્ગદર્શન આપીએ છીએ. તેઓએ સંસદભવન પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પણ ફુલહાર કર્યા હતા.