Mumbai,તા.29
સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની દમદાર ઓળખ બનાવનારી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હાલમાં પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘થામા’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મ દિવાળીના ખાસ પ્રસંગે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મ ‘છાવા’ પછી આ તેની બીજી હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે. જોકે હાલમાં રશ્મિકા પોતાની ફિલ્મો કરતાં પોતાની પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની સગાઈના સમાચાર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે, હવે એક્ટ્રેસે તેના પર ખુદ પ્રતિક્રિયા આપી છે. થોડા દિવસો પહેલા રશ્મિકા મંદાનાના હાથમાં ડાયમંડ રિંગ જોઈને ચાહકોએ અંદાજો લગાવ્યો હતો કે, તેણે સગાઈ કરી લીધી છે. તેના પર ઘણી અટકળો શરૂ થઈ હતી. એક અહેવાલ પ્રમાણે જ્યારે રશ્મિકા પોતાની ફિલ્મ ‘થામા’ના પ્રમોશન માટે પહોંચી ત્યારે તેને વિજય દેવરકોંડા સાથે તેની સગાઈ અંગે સવાલ પૂછવામાં આવ્યો. તેના પર એક્ટ્રેસે હસીને જવાબ આપ્યો કે, ‘હવે તો સૌ કોઈ જાણે છે.’
તેના આ જવાબથી ચાહકોની ખુશી વધી ગઈ છે. તાજેતરમાં જ ફિલ્મ “ધ ગર્લફ્રેન્ડ” ના ટ્રેલર લોન્ચ દરમિયાન પ્રોડ્યુસર અલ્લુ અરવિંદે પણ વિજયનું નામ લઈને રશ્મિકા સાથે મજાક કરી હતી. તેણે કહ્યું હતું કે, તે પ્રી-રિલીઝ ઇવેન્ટ માટે આવી રહ્યો છે. આ સાંભળતા જ રશ્મિકા હંસી પડી. આનાથી ચાહકોને ખાતરી થઈ ગઈ કે બંને વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ બંનેની જોડીને લઈને ખૂબ એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. અહેવાલ પ્રમાણે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ સગાઈ કરી લીધી છે.
આ સાથે જ એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને હવે ફેબ્રુઆરી 2026માં લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમના લગ્ન એક પ્રાઈવેટ સેરેમની હશે, જેમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ સામેલ થશે. જોકે, કપલે હજુ સુધી લગ્નની તારીખને લઈને ઓફિશિયલ એલાન નથી કર્યું, પરંતુ તેમના નજીકના સૂત્રોએ આ સમાચારની પુષ્ટિ કરી છે. રશ્મિકા અને વિજયને ટોલીવુડના સૌથી ફેમસ કપલમાંથી એક માનવામાં આવે છે. બંનેએ સુપરહિટ ફિલ્મો ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કોમરેડ’ માં સાથે કામ કર્યું છે.આ ફિલ્મોમાં ચાહકોને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી હતી. ત્યારથી જ બંનેના રિલેશનશિપની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. હવે તેમના લગ્નના સમાચારે ચાહકોને વધુ ખુશ કરી દીધા છે. રશ્મિકા મંદાનાએ અગાઉ 2017માં એક્ટર રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરી હતી. જોકે, થોડા સમય પછી બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો. ત્યારબાદ રશ્મિકાએ ફિલ્મોમાં પોતાને વ્યસ્ત કરી દીધી હતી અને હવે વિજય સાથે પોતાના નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહી છે, જેનાથી ચાહકો પણ ખુશ છે.

